સુરત(Surat): સિટી બસ (CityBus) અને બીઆરટીએસ (BRTS) દ્વારા અવારનવાર રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવામાં આવતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. ગયા મહિને કતારગામમાં ગમખ્વાર અકસ્માત (Accident) બાદ સુરત મનપા (SMC) તંત્ર દ્વારા સિટી બસ અને બીઆરટીએસની એજન્સીઓ વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં અકસ્માતો ઓછા થવાનું નામ લેતા નથી. આજે શનિવારે તા. 13 જાન્યુઆરી 2024ની સવારે વધુ એક અકસ્માત થયો છે, જેમાં એક પરિવારે દીકરો ગુમાવ્યો છે.
ઉધના બમરોલી રોડ પર સિટી બસે બાઈક પર જતા પિતા-પુત્રને ટક્કર મારી
એક્સપરિમેન્ટલ સ્કૂલના ધો. 11માં ભણતા વિદ્યાર્થીનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના બમરોલીના 120 ફૂટ રોડ પર આજે સુરત સીટી બસના ચાલકે બાઈક સવાર પિતા પુત્રને અડફેટે લેતા માસુમ બાળ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વહેલી સવારે 6:30 કલાકે બનેલી અકસ્માતની ઘટના બાદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે એક કલાક બાદ પહોંચી હતી. દીકરાને શાળા છોડવા જતી વેળાએ બ્લ્યુ બસના ચાલકે બાઇક સવાર પિતા-પુત્રને અડફેટે ચઢાવ્યા હતા. હાલ ઇજાગ્રસ્ત પિતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારે જણાવ્યું હતું કે ઘટના લગભગ 7 વાગ્યાની આજુબાજુ થઈ હતી. આશાપુરી બહાર જ બસના ચાલકે મોપેડ સવાર ગૌરવ રાજેશ બારડોલીયા (ઉં.વ.18,રહે., શકટિંગર સોસાયટી ઉધના) ને અડફેટે લઈ કચડી નાંખ્યો હતો. અકસ્માત બાદ બસનો ચાલક ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસ તપાસ ચાલુ છે.
વધુમાં જણાવ્યું હતું કે કાળમુખી બસનો કોળિયો બનેલો ગૌરવ ધોરણ-11 નો વિદ્યાર્થી હતો. અઠવાલાઇન્સની એક્સપરિમેન્ટલ શાળામાં અભ્યાસ કરતો હતો. પિતાનો એક નો એક પુત્ર અને એક નો એક બહેનનો લાડકો ભાઈ હતો. પિતા જિમ ટ્રેનર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં સરી ગયું છે.