Entertainment

અનનોન સેનોન ‘નુપૂર’નો રણકાર!

એક બહેન અભિનેત્રી હોય તો બીજી બહેનને પણ થાય કે લાવ હુંપણ ટ્રાય કરી જોઉં અને એમ બે થાય. એ બેમાંથી કોણ વધારે આગળ વધે તે કહી નહીં શકાય. તો હવે જાણો કે ક્રિતી સેનોનની બહેન નૂપૂર સેનોન ફિલ્મોમાં આવી ગઇ છે. ક્રિતીથી તે વધારે બ્યુટીફૂલ પણ છે અને હા, તમે યુ ટયૂબ પર તેનું ‘બેકરાર કરકે…’ ગીત પણ સાંભળ્યું હશે. હા, તે ગાયિકા પણ છે. 26 વર્ષની નૂપૂર સેનોન અત્યાર સુધી અનનોન રહી પણ હવે નહીં રહેશે. તે ચાર્ટડ એકાઉન્ટન્ટની દિકરી છે એટલે હિસાબમાં કાચી નથી અને ક્રિતીએ રસ્તો પણ બનાવી રાખ્યો છે. તે આ પહેલાં અક્ષયકુમાર સાથે આવી હતી પણ ફિલહાલ નામના મ્યુઝિક વિડીયોમાં. હવે તે નવી શરૂઆત કરી રહી છે.

તે નવાઝુદ્દીન સિદ્દીકી, સોનાલી સેગીલ સાથે ‘નૂરાની ચહેરા’માં આવી રહી છે. આ ઉપરાંત સાઉથની ‘ટાઇગર નાગેશ્વર રાવ’માં પણ કામ કરી રહી છે. જેમાં રવિ તેની, ગાયત્રી ભારદ્વાજ સાથે તે છે. નૂપૂર નથી ઇચ્છતી કે તેની ટેલેન્ટની તુલના ક્રિતી સાથે થાય કારણ કે ક્રિતી તો હવે ઘણી ફિલ્મો કરી ચુકી છે પણ તે ક્રિતીની જેમ સ્ટાર તરીકે દમ દેખાડવા માટે જરૂર તૈયાર છે. હિન્દી, ઇંગ્લિશ ઉપરાંત જર્મન ભાષા જાણતી નૂપૂરને કારણે જ ક્રિતી ફિલ્મોમાં આવી છે. ક્રિતી જયારે કોલેજમાં હતી ત્યારે નૂપૂરે તેનો એક ફોટો કિલક કરેલો અને ઓનલાઇન કોન્ટેસ્ટમાં નાંખી દીધેલો. એ કોન્ટેસ્ટ ક્રિતી જીતી ગઇ અને ફિલ્મોનો રસ્તો ખૂલી ગયો. હવે સ્વયં નૂપૂર પોતાને સ્ટાર બનાવવા મથામણ કરે છે તે સાઉથ તરફ પ્રેમથી જુએ છે કારણ કે તેઓ બહુ જલ્દી કામ આપતા હોય છે અને ‘ટાઇગર નાગેશ્વર રાવ’ તેની પ્રથમ પાન ઇન્ડિયા ફિલ્મ છે.
‘નૂરાની ચહેરા’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જયારે ‘ટાઇગર નાગેશ્વર રાવ’માં 1970નો સમય છે. એ ફિલ્મ તો તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રજૂ થવાની છે. આવી શરૂઆત તો ક્રિતીને પણ મળી નહોતી. ‘નૂરાની ચહેરા’ પંજાબી ભાષાની ‘કાલા શાહ કાલા’ (2019)ની રિમેક છે જેમાં શર્ગુન મહેતા હતી. એ ફિલ્મ સરળ રહી હતી એટલે જ તેની રિમેક બની છે. હવે એ ફિલ્મ રજૂ થતાં જ ક્રિતીને વિચારનારા નૂપૂરને પણ વિચારશે. •

Most Popular

To Top