અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) જૂના દીવા, જૂના બોરભાઠા સહિતનાં પાંચ ગામની સીમમાં ટ્રાન્સફોર્મરમાંથી (transformer) કોપર (Copper) મળી કુલ 3.11 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વરના જૂના દીવા ગામની સીમમાં આવેલા ઇકબાલ ઇબ્રાહિમ મંજરાના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. જે વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે અન્ય ચાર ગામની સીમમાં 11 ખેડૂતનાં ખેતરમાં મૂકેલ વીજ ટ્રાન્સફોર્મરને નિશાન બનાવ્યાં હતાં અને કોપર કોઈલ મળી કુલ 3.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
પીપોદરા કામધેનુ પેલેસના રૂમમાં ઘૂસેલા ચોર રોકડ રકમ અને મોબાઈલ ચોરી ગયા
હથોડા: પીપોદરા જીઆઇડીસી ખાતે આવેલી કામધેનુ પેલેસના 103 નંબરના રૂમમાં રાજસ્થાનનો ચંદારામ ગોપારામ રાયકા રહે છે અને ફેક્ટરીમાં મજૂરીકામ કરે છે. તેના રૂમમાં ચોર બેડરૂમની કાચની સ્લાઇડ બારીનો દરવાજો કોઈ હથિયાર વડે ખોલી અંદર પ્રવેશી કિચનના હોલના રૂમમાં મૂકેલા સ્ટીલના ડબ્બામાંથી રોકડા રૂ.25,000 તેમજ ચાર્જમાં મૂકેલો ₹10,000ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે નજીકમાં આવેલી પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બીલીમોરામાં કારનો કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ચોરી
બીલીમોરા : બીલીમોરાના પૂર્વ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કારનાં કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરી જતી ગેંગ લાંબા સમય બાદ ફરી એકવાર સક્રિય બની છે. તલોધ શ્રીરંગ એપાર્ટમેન્ટ પાર્કિંગમાં હોન્ડા કારનો કાચ તોડી તસ્કરો મ્યુઝિક સિસ્ટમ ચોરી કરી જતા ચકચાર મચી હતી.બીલીમોરા નજીક તલોધગામે અમ્રત જોષીની વાડી, શ્રી રંગ એપાર્ટમેન્ટમાં રહેતા ધ્રુવ સંજયભાઈ પારેખની હોન્ડા અમેઝ પાર્કિંગમાં પાર્ક કરી હતી. જે બાદ બુધવાર વહેલી સવારે કાર પાછળ ડાબી બાજુનો કાચ તૂટેલી હાલતમાં હતો. અને કારની એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ ચોરી કરી જવાઇ હતી.
શહેરના ગૌહરબાગ વિસ્તારમાં ફરી કાચ તોડતી ગેંગ સક્રિય બની
જેને પગલે રૂ.50 હજાર જેટલાની નુકશાની પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવી કેમેરા નેટવર્કથી સજ્જ અને રાત્રિ પેટ્રોલિંગના દાવા વચ્ચે શહેરના ગૌહરબાગ વિસ્તારમાં ફરી કાચ તોડતી ગેંગ સક્રિય બની છે. ઉપરોક્ત કારની મ્યુઝિક સિસ્ટમ ચોરી અંગે બીલીમોરા પોલીસમાં લેખિત અરજી કરાઈ હતી જેની દેવસર બીટ તપાસ કરી રહી છે.