અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલા મારુતિ જ્વેલર્સમાં (Jewelers) ખરીદી કરવા આવેલી એક મહિલાની રૂપિયા ૨ લાખની સોનાની ૪ નંગ બંગડીઓ દુકાનમાં ખરીદી કરવાના બહાને આવેલી ત્રણ મહિલાઓએ (Womens) નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. શહેર પોલીસે દુકાનના (Shop) સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીની મિનિટોમાં ત્રણેય મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- જ્વેલર્સને ત્યાં ખરીદી કરવા આવેલી મહિલાની ૨ લાખની સોનાની ૪ બંગડી ત્રણ મહિલાઓ નજર ચૂકવી ઉઠાવી ગઇ
- પોલીસે ગણતરીની મિનિટોમાં ત્રણ મહિલાને ઝડપી પાડી
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની શાહીન પાર્ક સોસાયટીમાં રહેતા અબ્દુલ રહીમ ઇનુલ્લાહ મનીહારે તેમની પત્નીની સોનાની ચાર બંગડીઓ ચૌટા બજારમાં આવેલા મારુતિ જ્વેલર્સમાં ગીરવે મૂકી હતી. તેઓ તા. ૯મી માર્ચના રોજ તેમની પત્ની સમસુન નિશા સાથે મારુતિ જ્વેલર્સમાં બંગડી છોડાવવા આવ્યા હતા. તેઓએ બંગડી છોડાવી થેલામાં એક ડબ્બીમાં મૂકી ખરીદીમાં મશગુલ બન્યા હતા. તે દરમિયાન ખરીદી કરવાના બહાને જ્વેલર્સમાં આવેલી ત્રણ મહિલાઓ નજર ચૂકવી રૂપિયા ૨ લાખની કિંમતની સોનાની ચાર નંગ બંગડીઓની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી.
આ અંગે અબ્દુલ રહીમ ઇનુલ્લાહ મનીહારે પોલીસને જાણ કરતા પીએસઆઇ ઝેડ.એ.શેખ સ્ટાફ સાથે દોડી આવી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા ત્રણ મહિલાઓ નજરે પડી હતી. જેમાં એક મહિલા થેલામાંથી બંગડીની ચોરી કરતા નજરે પડી હતી. પોલીસે તપાસ શરૂ કરતા ગણતરીની મિનિટોમાં મધ્યપ્રદેશના રાજગઢની પુંજાબેન અમીત સીસોદીયા, રીમાબેન ચંદનભાઈ સીસોદીયા અને મનીષા રાંકા સીસોદીયાને ઝડપી પાડી તેઓ પાસેથી ચાર નંગ બંગડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.