અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા (School) એક ખાતે સનફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા 6 જેટલી સરકારી સ્કૂલમાં બનાવેલા ડિજિટલ (Digital) ક્લાસ રૂમનું (Class Room) કંપનીના અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઔદ્યોગિક ગૃહોની સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારીના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને નાવીન્યસભર અને આનંદમય શિક્ષણ મળે એ હેતુસર પાનોલી જીઆઇડીસીમાં આવેલી સનફાર્મા કંપનીના સનફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સના સીએસઆર વિભાગ દ્વારા મોડેલ સ્કૂલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત શહેરની એક અને પાંચ ગામની સરકારી પ્રાથમિક શાળા મળી કુલ 6 શાળાને અંદાજિત 20 લાખના ખર્ચે ડિજિટલ ક્લાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
6 શાળાના આચાર્યોને ડિજિટલ ક્લાસના રૂમોની ચાવી એનાયત
જે અંગે સનફાર્મા ડિસ્ટ્રિબ્યુટર્સ દ્વારા શહેરના ગોયા બજારમાં નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળા ખાતે સનફાર્મા કંપનીના હેડ સ્નેહલ શાહની ઉપસ્થિતિમાં શહેરની મુખ્ય શાળા તેમજ અંકલેશ્વર તાલુકાના સારંગપુર, બાકરોલ, કાપોદ્રા, અંદાડા ગામની કુમાર શાળા અને સરદાર પટેલ પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ ડિજિટલ ક્લાસનું કંપનીના અધિકારીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં આ 6 શાળાના આચાર્યોને ડિજિટલ ક્લાસના રૂમોની ચાવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય શાળાના ગજેન્દ્રભાઈ પટેલ સહીત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દમણ-દીવ પોલીસ વિભાગમાં પણ ઈ-ફીડબેક સિસ્ટમ કાર્યરત કરાઇ
દમણ : દિલ્હી અને ચંડીગઢની જેમ દાનહ-દમણ-દીવ પોલીસ વિભાગમાં પણ ઈ-ફિડબેક સિસ્ટમને કાર્યરત કરવામાં આવી છે. પ્રશાસક પ્રફુલ પટેલનાં માર્ગદર્શન હેઠળ બુધવારનાં રોજ દમણ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે સાંજે ઈ-ફિડબેક સિસ્ટમનો દાનહ-દમણ-દીવના નાયબ પોલીસ મહાનિરિક્ષકના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ થકી કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલ ફોનમાં પ્રદેશના જે તે પોલીસ મથકે બહારની બાજુએ લગાડવામાં આવેલા બાર કોડને સ્કેન કરી પોલીસ કાર્યપ્રણાલી તથા પોલીસ કર્મચારીઓનો વ્યવહાર તથા અન્ય બાબતો અંગેની પ્રતિક્રિયા આપી શકશે. આ સિસ્ટમને દિલ્હીમાં કાર્યરત ફિડબેક સિસ્ટમના સમકક્ષ જ બનાવવામાં આવી છે. જ્યારે પ્રદેશમાં લાગુ કરવામાં આવેલી સિસ્ટમ ચંડિગઢ દ્વારા કસ્ટમાઈઝ્ડ કરી પુરી પાડવામાં આવી છે. ત્યારે બુધવારનાં રોજથી શરૂ થયેલી આ સિસ્ટમ લોન્ચિંગ પ્રસંગે દાનહ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર પ્રસાદ મીણા, દમણ પોલીસ અધિક્ષક અમિત શર્મા ઉપસ્થિત રહ્યા હતા.