ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા શાક માર્કેટમાંથી રાહદારીનો ફોન (Phone) ઝૂંટવી ભાગવા જતાં ગઠિયાને લોકોએ ઝડપી પાડી પોલીસને (Police) હવાલે કર્યો હતો.મૂળ ઝારખંડના અને હાલ મહાવીર ટર્નિંગ પાસે આવેલ તીર્થ નગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર સાહેબરા ઉરાવ અને બાલમુકુંદ પંડિત શુક્રવારે રાત્રે અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલી શાક માર્કેટમાંથી બહાર રોડ ઉપર ચાલતા જતા હતા. એ દરમિયાન ઓ.એન.જી.સી. ઓફિસ પાસે પાછળથી બાઈક ઉપર આવેલા ૨ ગઠિયા પૈકી પાછળ બેઠેલા ઇસમે રાજેન્દ્ર સાહેબરા ઉરાવના હાથમાં રહેલો મોબાઈલ ફોન ઝૂંટવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજેન્દ્રએ ફોન નહીં છોડતાં બાઈક પર આવેલા ગઠિયા માર્ગ ઉપર પટકાયા હતા.
અન્ય એક ગઠિયો ફરાર થઇ ગયો હતો
જે પૈકી રાજેન્દ્ર ઉરાવ અને બાલમુકુંદ પંડિતે એક ગઠિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક ગઠિયો ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલા ઇસમને અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે ઝડપાયેલા ઇસમની પૂછપરછ કરતાં તે ઝઘડિયાના માલપોર ગામના માનસિંગ ફળિયામાં રહેતો અનીલ વસાવા હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે તેની અટકાયત કરી અન્ય ફરાર ઈસમ વહેલી તકે ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
ભરૂચમાં ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
ભરૂચ: જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે સૂચનાઓ અને માર્ગદર્શન જારી કર્યા હતા અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સૂચના આપતાં પોલીસ ટીમ હરકતમાં આવી હતી. જેમાં બાતમીદારોથી બાતમી મળી હતી કે ચોરીના ગુનામાં નાસતો ફરતો તથા વડાપાડા રોડ, કોઠી, ભરૂચ મુકામે રહેતો હુસેન આબીદભાઈ પીપવાલા પાંચબત્તી વિસ્તારમાં આવવાનો છે. આ બાતમીના આધારે વોચમાં રહી સદર આરોપી પાંચબત્તી વિસ્તારમાં આવતાં તેને પકડી તપાસ કરતાં રાજપારડી, ઝઘડિયા, આમોદ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભાગેડુ હોવાનું બહાર આવતાં રાજપારડી પોલીસને આરોપીનો કબજો સોંપતાં વધુ તપાસ રાજપારડી પોલીસ ચલાવી રહી છે.