અંકલેશ્વર: (Ankleshwar) પાનોલી (Panoli) ખાતેથી આશિષ શુક્લ નામની વ્યક્તિ પોતાની કાર (Car) લઈ અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. દરમિયાન પ્રતીન ચોકડી નજીક એક વ્યક્તિએ બાઇક ઉપર આવી તેમનો દરવાજો ખખડાવી ગાડીમાંથી ઓઇલ લીક (Oil Leak) થાય છે તેમ જણાવ્યું હતું. આશિષ શુક્લ ગાડીમાંથી બહાર નીકળ્યા ત્યારે ખરેખર ઓઇલ લીક થતું હતું. જેમની મદદે અન્ય એક યુવાન આવ્યો હતો. અને બોનેટ ખોલાવી ચેક કરતો હતો. દરમિયાન કારની સીટ ઉપર પડેલી બેગ લઈ અન્ય એક ઈસમ ફરાર થઈ ગયો હતો.
ગેરેજમાં ચેક કરાવ્યું તો કોઈ ઓઇલ લીકેજ થતું ન હતું
કારચાલક ગેરેજમાં ગયા અને ચેક કરાવ્યું તો કોઈ ઓઇલ લીકેજ થતું ન હતું. પરંતુ તેઓની બેગ ગાયબ હતી. જેમાં રૂ. 1.50 લાખ હતા. આ અંગે તેઓએ પોલીસને જાણ કરી હતી. આશિષ શુક્લની બેગ ભડકોદરા નજીકથી મળી આવી હતી, જેમાંથી તેઓનાં બધાં ડોક્યુમેન્ટ સલામત હતાં, પરંતુ પૈસા ગાયબ થઈ ગયા હતા.
સિલવાસામાં દુકાનમાં તસ્કરોનો હાથફેરો, સોસાયટીના બે ફ્લેટમાં ચોરીનો પ્રયાસ
સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના પ્રમુખ વિહારના ફેઝ-4ની સામે આવેલ કનૈયા સુપર સ્ટોરમાં ચોરોએ હાથ સાફ કર્યો છે. મળસ્કે ત્રાટકેલા ચોરોએ દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનના ગલ્લામાંથી રોકડ રકમની ચોરી કરવાની સાથે ગૌ-માતાની સેવા માટે મુકેલી દાનપેટીમાંથી પણ રોકડા રૂપિયા લઈ રફૂચક્કર થયા હતા. આ તરફ ચોરોએ પ્રમુખ વિહાર સોસાયટીના ફેઝ – 4ના જે અને કે વિંગના પણ 2 ફ્લેટમાં ચોરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક ફ્લેટમાં એક પરિવાર બેડરૂમમાં સુતો હોય ત્યારે ચોરટાઓએ તેમનો રૂમનો દરવાજો બહારથી બંધ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
સી.સી.ટીવી ફૂટેજના આધારે ચોરોને ઝબ્બે કરવાના ચક્રોગતિમાન
અન્ય એક ફ્લેટ જે વર્ષોથી બંધ હાલતમાં હોઈ એને પણ ટાર્ગેટ કરી ચોરી કરવા જતાં ત્યાંથી પણ ચોરોને કંઈ હાથ ન લાગતા તેઓ પણ વિલે મોઢે ત્યાંથી પરત થયા હતા. ઘટનાની જાણ સવારે દુકાનદારની સાથે ફ્લેટધારકને થતાં આ અંગે સેલવાસ પોલીસને જાણ કરતાં જ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂરી તપાસ કાર્ય હાથ ધર્યું હતું. અને દુકાનદારની સાથે ફ્લેટ ધારકોના નિવેદન લઈ આ મામલે પોલીસ ફરીયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી દુકાનના, બિલ્ડીંગના તથા આસપાસના સી.સી.ટીવી કેમેરા ફૂટેજના આધારે ચોરોને ઝબ્બે કરવાના ચક્રોગતિમાન કર્યો છે.