Dakshin Gujarat

પાનોલીની આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટ : એક કામદારનું મોત

અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (GIDC) આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રાતે દોઢથી 2 કલાક દરમિયાન પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન રિએક્ટરમાં બ્લાસ્ટ (Blast) થતાં નાસભાગ મચી ગઈ હતી, બ્લાસ્ટમાં આસપાસ કામ કરી રહેલા પાંચ કામદારો (Workers) ગંભીર ઇજા થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું હતું.

  • રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન વિસ્ફોટ થયો ને આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી
  • બ્લાસ્ટમાં આસપાસ કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર ઇજા થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

પાનોલી જીઆઇડીસીમાં આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાંની સાથે આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં મૂળ બિહાર અને હાલ સંજાલી ગામે રહેતા ૨૫ વર્ષીય સંતોષ લખન તાતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ કામદારો અવની ચંદ્રદેવ શર્મા, મુન્શી જગલ કિશકુ, મન્ના ભગવાન પૈદાર, બાબુચંદ ટુડુ અને રામનાથ મીશ્રીલાલ યાદવને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

લાશ્કરોએ રેસ્ક્યુ કરી ઘાયલ પાંચ કામદારોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા
ઘટનાની જાણ પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, તેમજ લશ્કરોએ કંપનીમાં ઈજા પામેલા કામદારોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે અંકલેશ્વર રૂરલ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ દોડી આવી હતી. આ બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે સંતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાં કેડીલા ફાર્મા કંપનીમાંથી રૂ.૭.૫૦ લાખની કિંમતના ૨૫ કિલો ઓલેનઝેપાઈન પાવડર ચોરી

અંક્લેશ્વર : અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેડીલા ફાર્મા કંપનીમાં પ્રોસેસિંગ એરિયામાંથી રૂ.૭.૫૦ લાખની કિંમતના ૨૫ કિલો ઓલેનઝેપાઈન પાવડર ચોરી થઇ જતાં કંપની મેનેજમેન્ટ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં પાવડર પ્રોસેસિંગ એરીયામાં તા-૪થી ડિસેમ્બરના રોજ ૨૫ કિલો ઓલેનઝેપાઈન પાવડર બેગમાં પેક કરી ડ્રમમાં મુકવામાં આવ્યો હતો. જે ઓલેનઝેપાઈન પાવડરની ચોરી થઇ હતી. પાવડરની જરૂરિયાત પડતા લેવા જતાં નહીં મળતાં કંપનીમાં તપાસ કરવામાં આવી હતી, આ બાબતે કંપનીના અધિકારી ચિંતન શેઠ દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે રૂ.૭.૫૦ લાખ કિંમતનો ઓલેનઝેપાઈન પાવડરની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જીઆઇડીસી પોલીસે કંપનીમાં જે તે વખતે ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ મેનેજમેન્ટની પણ પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top