અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વારંવાર વાયુ પ્રદૂષણની (Air Pollution) બૂમ ઉઠી રહી છે ત્યારે ફરી એક વાર રવિવાર 5 ડિસેમ્બરના રોજ વાયુ પ્રદૂષણ જોખમી આંકની પાસે પહોંચતા સરકારી તેમજ સ્વૈચ્છિક પર્યાવરણીય સંસ્થાઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. રાષ્ટ્રીય એર ક્વોલિટી ઇન્ડિયાના (National Air Quality India) છેલ્લા આંકડા મુજબ દેશના અનેક શહેરોમાં સૌથી વધુ પ્રદૂષણ અંકલેશ્વરની હવામાં જોવા મળ્યું છે જે રવિવારના રોજ 321 પર પહોંચ્યું છે. જેની સામે અત્યંત ખેદજનક બાબત એ લાગી રહી છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરી હવે નિષ્ક્રિય હોય એમ લાગી રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો જોવા નથી મળ્યો એ ખરેખર ગંભીર બાબત છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત તેમજ શહેરી વિસ્તારમાં વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ અંકલેશ્વરની પ્રાથમિક પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી તરફ્થી જાહેર કરાયેલા એક્ચ્યુલી એર ક્વોલીટીના આંકડા ટાંકીને માહિતી આપવામાં આવી છે કે અંકલેશ્વરની હવામાન નિયત માત્રા કરતા વધુ માત્રામાં પ્રદૂષણ જોવા મળ્યું છે.
લોકોને શ્વાસ-ગળાની બિમારી કે કેન્સર થવાની ભીતિ
એર ક્વોલિટી ઇન્ડેક્સના જણાવ્યા મુજબ પ્રદૂષણની લઘુત્તમ તેમજ મહત્તમ જે સીમા આંકવામાં આવી છે એ હાલ અંકલેશ્વરના વાતાવરણમાં મહત્તમની ધીમે ધીમે નજીક પહોંચવાની તૈયારીમાં હોય એવું આંકડા પરથી લાગી રહ્યું છે. પ્રદુષણની માત્રાના ધારાધોરણ અનુસાર હવામાન એની લઘુત્તમ માત્રા 292 તેમજ મહત્તમ માત્રા 356 નિયત કરવામાં આવી છે. તારીખ ૫ ડિસેમ્બરના રોજ જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષકોની માત્રા પાંચ ડિસેમ્બરના રોજ 321 પર પહોંચી છે. રિપોર્ટમાં વાયુ પ્રદૂષણની માત્રા વધતા લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેનારા લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ ગળાની બીમારી પણ સર્જાય એવી સ્પષ્ટ ભીતિ દર્શાવવામાં આવી છે. સાથે જ આ હવામાનમાં લાંબા સમય સુધી રહેવાથી ત્વચાની બીમારી જેમ કે કેન્સર પણ થઈ શકે છે એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.
તો પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરી હવે નિષ્ક્રિય બની ગઈ
અંકલેશ્વરમાં વાયુ પ્રદૂષણની માત્રા વધતા ખાસ કરીને જનઆરોગ્ય પર તેની ગંભીર અસરો સર્જાય એવી પણ શક્યતા જોતા ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ તથા અંકલેશ્વર ઉદ્યોગ મંડળે તાત્કાલિક આ અંગે ગંભીર પગલા લેવાનો વખત આવી ગયો છે. અંકલેશ્વરના વાતાવરણમાં પ્રદુષણની માત્રા વધતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરી દ્વારા મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે તેમજ ટીમ તેનાત કરી ને રોજેરોજ કોઈ ઉદ્યોગકાર દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં નથી આવતો ને એની પણ તકેદારી લેવાઈ રહી છે. પરંતુ આ આંકડા જોતા આ મોનિટરિંગ સિસ્ટમ અને મોનીટરીંગ ટીમની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. નોંધનીય છે કે અંકલેશ્વર જીપીસીબીની મિટિંગોના નિર્ણયો અને બનેલ એક્શન પ્લાન મુજબ કામ થતું હોય એમ લાગતું નથી. કેટલાક બેજવાબદાર ઔદ્યોગિક એકમો રાત્રીના ભેજવાળા વાતાવરણમાં ઇન્સિલટરો બંધ રાખવાની જીપીસીબીની સૂચનાઓનો અમલ કરતા જ નથી અને જીપીસીબી પણ ફક્ત સૂચનાઓ આપી કાર્ય કર્યાનો સંતોષ માનતી હોય એવું દેખાઈ રહ્યું છે.