ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના ઉટિયાદરા ગામની સીમમાં કોસંબાના યુવાનની હત્યામાં (Murder) મિત્રોએ અભયને વધુ નશો કરાવવાની લાલચ આપી મોપેડ પર બેસાડી કૂવા નજીક લઈ જઈ હત્યા કરી હોવાનો ભેદ ભરૂચ LCBએ એક દોરડું, હ્યુમન ઈન્ટેલિજન્સ અને સીસીટીવીની (CCTV) મદદથી ઉકેલ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની સીમમાં અશ્વિનભાઈ પટેલના ખેતર નજીક નહેરના કૂવામાં કોસંબાના તરસાડીના 20 વર્ષીય અભય નટવરભાઈ પરમારની લાશ 8 ફેબ્રુઆરીએ સવારે મળી આવી હતી. યુવાનને કપાળ, માથાના વચ્ચેના ભાગે ગંભીર ઈજા કરી, પગમાં દોરડા વડે બાંધી, કૂવામાં ઊલટી હાલતમાં હત્યા કરી લટકાવી દેવાયો હતો.
- અભય બંને મિત્રો ઉપર રોફ જમાવી પૈસા અને સિગારેટ માંગી મારઝૂડ કરતો હતો
- કોસંબાના 20 વર્ષીય યુવાન અભય પરમારની હત્યાનો ભેદ ભરૂચ LCBએ ઉકેલ્યો
- નશેડી મિત્રોએ જ અભયને વધુ નશો કરાવવાની લાલચ આપી ઉટિયાદરામાં મોતને ઘાટ ઉતાર્યો
યુવાનને કપાળ, માથાના વચ્ચેના ભાગે ગંભીર ઈજા કરી
પાનોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતક અભય પરમાર છેલ્લે 7 ફેબ્રુઆરીએ રાતે 10:30 કલાકે મોપેડ ઉપર ૩ ઈસમ સાથે કોસંબા તરસાડીથી ઉટિયાદરા ગામ કેનાલ તરફ જતા રોડ ઉપર જોવા મળ્યો હતો. શકમંદ 6 ઈસમને શોધી કાઢી તમામની પૂછપરછ દરમિયાન મૃતકના જ બે મિત્ર જયમીન વસાવા અને એક સગીરે પોતે હત્યાને અંજામ આપ્યો હોવાનું સ્વીકાર્યુ હતું. 7 ફેબ્રુઆરીની રાતે ઘરના પાછળના ભાગે નશો કરેલી હાલતમાં અભય આવ્યો હતો. જ્યાં બંને આરોપી મિત્રો સાથે અભયે ઝઘડો કર્યો હતો.
હત્યા કરી તેની લાશ ઊંધી લટકાવી ભાગી ગયા હતા
બંને હત્યારા મિત્રોએ મામલો શાંત પાડી અભયને વધુ નશો કરવાની લાલચ આપી એક્ટિવા ઉપર બેસાડી ચાર કિલોમીટર દૂર ઉટિયાદરા નહેર નજીકના કૂવા પાસે પોતાની નશો કરવાની બેઠક પર લઈ ગયા હતા. જ્યાં અભયને વધુ નશો કરાવી જયમીન અને સગીરે કૂવાની પાળી ઉપર સૂવડાવી દીધો હતો. બાદ ખેડૂત અલ્પેશભાઈના ખેતરમાં સિંચાઈના મશીન ઉપર બાંધેલું દોરડું લાવી બંને હત્યારા મિત્રોએ અભયના પગ બાંધી તેને કૂવામાં નાંખી મોં અને માથા ઉપર પથ્થરો મારી હત્યા કરી તેની લાશ ઊંધી લટકાવી ભાગી ગયા હતા. મૃતક અભય બંને ઉપર રોફ જમાવતો હોય, પૈસા અને સિગારેટ માંગતો હોવા સાથે મારઝૂડ કરતો હોવાની રીસ રાખી નશામાં જ નશેડી મિત્રોએ તેની હત્યા કરી દીધી હોવાની કેફિયત આરોપીઓએ રજૂ કરી હતી.
વ્યારાના વીરપુર ગામે લાકડાં વેચી તેનો ભાગ ન આપનાર શખ્સની હત્યા
વ્યારા: વ્યારાના વીરપુરમાં આધેડે લાકડાં કાપી બારોબાર વેચી દીધાં હતાં. આ લાકડાંનું વેચાણ કરાવનારને તેનો ભાગ નહીં આપતાં આ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડને મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શકમંદ હત્યારા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના વીરપુર ગામે પુલ ફળિયામાં ઈલેશ બાબુ ગામીત (ઉં.વ.50) અને તેમની પત્ની કમળાબેન આશરે 10 દિવસ પહેલાં તેમનાં ઘરની બાજુમાં વૃક્ષો કપાવી તેને લાકડાનાં વેપારીને વેચી દીધાં હતાં.
હથિયાર વડે માથાના પાછળનાં ભાગે જીવલેણ ઇજા કરી
ઇલેશભાઇ આ લાકડાના ભાગના પૈસા મેહુલ મનુ ગામીતને વારંવાર માંગણી કરવા છતાં આપતા ન હતા. જેથી તેની દાઝ રાખી તા.9 ફેબ્રુઆરીએ સવારે 8થી 9 વાગ્યાના અરસામાં શકમંદ મેહુલ ગામીતે આ ઇલેશભાઇ બાબુભાઇ ગામીતને કોઇ પણ તીક્ષ્ણ હથિયાર વડે માથાના પાછળનાં ભાગે જીવલેણ ઇજા કરી મોત નીપજાવ્યું હતું. આ હત્યાની સાથે જિલ્લા મેજિ. તાપીના જાહેરનામાનો ભંગ પણ કર્યો હોય તે બદલ પોલીસે મરણ જનાર ઈલેશ ગામીતની પત્નીની ફરિયાદના આધારે શકમંદ આરોપી મેહુલ મનુ ગામીત વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.