અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ભરૂચીનાકા પાસે મણીબા હોલ (Maniba Hall) ખાતે આવેલા એસબીઆઈ બેન્કના એટીએમને (ATM) તસ્કરોએ નિશાન બનાવી બે એટીએમ મશીનમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કરતાં શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક મણીબા હોલમાં સ્ટેટ બેન્ક ઇન્ડિયાનું (SBI) એટીએમ આવેલું છે. આ એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બે એટીએમ મશીનને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, મશીન ન તૂટતાં બંને એટીએમ મશીનમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
એલર્ટ સિગ્નલ દ્વારા જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો
દરમિયાન બેન્કના હેડ ક્વાર્ટર ખાતે એટીએમના એલર્ટ સિગ્નલ દ્વારા જાણ થતા હેડ ક્વાટર્સના કર્મચારીઓએ તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસમથકમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જો કે, તસ્કરો મશીનમાં તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. એટીએમમાં ચોરીના પ્રયાસ અંગેની અંકલેશ્વર એસબીઆઈ બ્રાન્ચમાં જાણ કરાતાં બેંકના અધિકારી દોડી આવ્યા હતા અને શહેર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
ભરૂચ રેલવે સ્ટેશને ખારીસીંગના વેપારીનો મોબાઈલ ચોરાયો
ભરૂચ: ભરૂચ રેલવે સ્ટેશન પર ખારીસિંગ વેફર વેચતો વેપારી RMS ઓફિસ પાસે સૂઈ જતાં કોઈ અજાણ્યા તસ્કરે જેકેટના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી લીધો હતો. ભરૂચ રેલવે સ્ટેશને ખારીસીંગ-વેફર વેચતો અબરાહુશેન ગુલામમહમદ મલેક (રહે.,એ/૦૨,અલતોહિત પાર્ક, રહાડપોર, ભરૂચ) ગુરુવારે સાંજે ટ્રેન ન આવતાં RMS ઓફિસ પાસે પીલ્લર પાસે બાકડા પર સૂઈ ગયો હતો. એ વેળા ઘોર ઊંઘમાં હોવાથી તેમના જેકેટના ગજવામાં મૂકેલો vivo-૭૩ મોડેલનો મોબાઈલ કોઈ તસ્કરે ચોરી કરી ગયો હતો. આ બાબતે ભરૂચ રેલવે પોલીસ વિભાગને ફરિયાદ આપતાં રૂ.૨૦,૯૯૯ની મત્તાનો મોબાઈલ ચોરીનો ગુનો નોંધ્યો હતો.
વ્યારામાં ચોરાયેલા ઇલેક્ટ્રિક વાયર તથા કોપરની પ્લેટ સાથે મહિલા ઝડપાઈ
વ્યારા: વ્યારાના ગુનામાં ચોરી થયેલા મુદ્દામાલ ઇલેક્ટ્રિક વાયર તથા કોપર પ્લેટ સાથે પોલીસે મહિલાને ઝડપી પાડી છે. કચરો વીણવાનું કામ કરતી મહિલા ભારતી દિનેશ ખંદારે (રહે., માર્કેટ યાર્ડ, માંગરવાડી, ઝૂપડપટ્ટી, વ્યારા)ને તેના ઘરમાંથી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પકડાયેલી મહિલા આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી વ્યારા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે.