અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરમાં બુધવારની રાતની ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગની ઘટનાના ધુમાડા હજી શમ્યા નથી ત્યાં વધુ એક ઘટના બનતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અંકલેશ્વર શહેરની મધ્યમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર ત્રાટકેલા 3થી 4 જેટલા લુટારૂએ તંમચાની અણીએ લૂંટ ચલાવી હતી. પોલીસે સમયસર ઘટના સ્થળ પર પહોંચી લુટારૂનો પીછો કરી રાજપીપળા ચોકડી પાસે લુટારૂ ઉપર ફાયરિંગ કરી એક લુટારૂને ધાયલ કરી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેર પોલીસ એ.એસ.એલ., ડોગ સ્કવોર્ડ, બેલેસ્ટિક વિભાગની મદદથી જ્યાં આ ઘટનાનો ભેદ ઉકેલવા તલસર્પશી તપાસ કરી રહી હતી ત્યાં જ વધુ એક હચમચાવતી ઘટના ધોળે દહાડે બની છે.
પીરામણ નાકા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં હથિયારો સાથે ત્રાતકેલા 4 જેટલા લૂંટારુંઓએ તમંચાની અણીએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. લુટરારૂઓએ બેંકમાં પ્રવેશ કરી ઉપસ્થિત કર્મચારીને બંદૂકની અણીયે એક બાજુ થઈ જવા જણાવ્યું હતું. બેંકનો સ્ટાફ ગભરાઈને ટેબલ નીચે બેસી ગયો હતો. અહીં કેટલાક ગ્રાહકો પણ હાજર હતા જેઓ ગભરાઈ ગયા હતા. બંદૂકની અણીએ લૂંટ કર્યા બાદ લુટારૂઓ બાઇક પર બેસીને ફરાર થઈ ગયા હતા. જોકે ભરૂચમાં જ રેન્જ આઈજી આજે ઉપસ્થિત હોય અને રાતની ફાયરિંગની ઘટના બાદ એલર્ટ રહેલી પોલીસ તરત એક્શનમાં આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પોલીસે નાકા બંધી દરમિયાન લુટારુઓને પડકાર્યા હતા. લુટારુઓએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક લૂંટારું ઝડપાઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામસામી ફાયરિંગ થયું હતું. તેમાં એક લુટારૂ ઇજાગ્રસ્ત થયો હતો. તેને 108 દ્વારા સારવાર માટે લઈ જવાયો હતો તેમજ પોલીસે આશરે 22 લાખ જેટલી રકમ પણ રિકવર કરી હોવાનું અને ત્રણ દેશી કટ્ઠા જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ તુરંત જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિત નો કાફલો દોડી ગયો હતો. હાલ પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે યૂનિયન બેંકમાં ત્રણ લુટારુઓ પ્રવેશ્યા હતા. જેમાંથી બે લુટારાને ઝડપી લેવામાં આવ્યો હતો અને બાકીના લુટારાને પકડવા શહેરના એક્ઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી ગોઠવાઈ હતી.