અંકલેશ્વર: અંકલેશ્વર GIDC (Ankleshwar GIDC) વિસ્તારમાં વિઝન સ્કૂલ (Vision School) નજીક નિર્માણ પામી રહેલા ખુશ હાઇટસમાં અંકલેશ્વર સરદાર પાર્કમાં (Sardar Park) રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ગુરૂવારે બપોરના 12 વાગ્યાના અરસામાં નવું મકાન જોવા આવ્યા હતા. તેમણે પોતાની કાર ખુશ હાઇટસના પાર્કિંગમાં પાર્ક કરી હતી. બાઇક સવાર ત્રણ ચોરોએ કારનો કાંચ તોડીને કારની અંદર બેગમાં મુકેલા હરેશ પટેલના રૂપિયા 3,50,000ની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતાં. હરેશ પટેલના એક કલાક બાદ નવું મકાન જોઈને પરત આવતા તેમની કારનો કાચ તૂટેલો હતો, તેમાંથી રોકડા રૂપિયા ચોરાઈ ગયા હતા. તેમણે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વરમાં કારના કાચ તોડતી ટોળકી સક્રિય
છેલ્લા કેટલાય વખતથી અંકલેશ્વર અને તેના આજુબાજુના વિસ્તારમાં કારના કાચ તોડીને માલ સમાનની ચોરી કરતી ગેંગ સક્રિય છે. જેને પગલે કારને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરવી એ પણ એક પ્રશ્ન બની ગયો છે.સ્થનિકોએ જગ્યા-જગ્યાએ કેમેરા લાગવીને સુરક્ષા વધારવાની માંગ પણ કરી છે.હાલતો પોલીસે ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
માંગરોળમાં ચોરોએ મોટર ચોરવા પાઈપ કાપી નાંખતાં પાણી વિતરણ ઠપ્પ
માંગરોળ ગામમાં પાણી પુરવઠાની ટાંકીમાંથી ઈલેક્ટ્રિક મોટરની ચોરી કરનારા એક ઈસમને ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને પાણી સમિતિના સભ્યએ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઇસમો ભાગી છુટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કરાયા છે. માંગરોળ ગામની ચંડાલ ચોકડી પાસે પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં પીવાના પાણી વિતરણ માટે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવામાં આવી છે જેમાંથી ઈલેક્ટ્રિક મોટર મારફતે ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે ગતરોજ ચાર ઇસમો ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરવા પાણીની ટાંકી પાસે આવ્યા હતા અને પાઇપ કાપી મોટરની ચોરી કરી રહ્યા હતા આ સમયે ઇટના ભઠ્ઠાના મજૂરોએ ચોરો ઈલેક્ટ્રિક મોટરની ચોરી કરતા નજરે જોતા ઈંટના ભઠ્ઠા માલિકે પૂર્વ સરપંચ નિકેશભાઈ વસાવાને ચોરી અંગેની જાણ કરતા નિકેશભાઈ અને પાણી સમિતિના સભ્ય રમણભાઈ વસાવા દોડી આવ્યા હતા અને ચોરી કરી રહેલા ચાર શખ્સોમાંથી બે ઇસમોને ઝડપી લીધા હતા તેઓનું નામ પૂછતા કરણભાઈ અભેસિંગભાઈ વસાવા અને હરેશભાઈ ઇશ્વરભાઇ વસાવા બંને માંગરોળ ગામના વતની છે, જેમાં હરેશ ઈશ્વર વસાવા નજર ચૂકવીને ભાગી છુટ્યો હતો.
આ સમયે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પકડાયેલા કરણ વસાવાને પોલીસને સુપ્રત કરવામાં આવ્યો હતો. પૂર્વ સરપંચ મુકેશભાઈ વસાવાએ ચોરીમાં સંડોવાયેલા કુલ ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં હરેશ ઈશ્વર વસાવા, જીતેશ મુકેશ વસાવા અને વિશાલ ભીખાભાઈ વસાવા કુલ ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે તમામ ચાર ઈસમો માંગરોળ ગામના વતની છે.ચોર ઈસમોએ ચોરી કરવા માટે ઈલેક્ટ્રીક મોટરના પાઇપ કાપી નાખતા માંગરોળ ગામમાં ગ્રામજનોને પીવાના પાણીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. સરપંચની મુદત પૂરી થવાથી ગ્રામ પંચાયતનો વહીવટ વહીવટદારના હાથમાં છે છે અને તારીખ 2 ઓગસ્ટથી તલાટીઓની હડતાળ ચાલતી હોવાથી ગ્રામજનો પીવાના પાણી માટે મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સત્વરે પાણી પુરવઠો જવાબદાર અધિકારીઓ ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે