અંકલેશ્વર : અંકલેશ્વરના (Ankleshwar) રવીદ્રા ગામ ખાતેના પાદરમાં બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં થયેલા ઝઘડા (Fights) અંગેનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં એક કાર ચાલક ઈસમ પોતાની કાર હંકારી લાવી સામે વાળા ઈસમ ઉપર ચઢાવી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ગામના પાદર વચ્ચે સર્જાયેલા બંને ઈસમોના દંગલનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે રહેતા સલીમ ઈબ્રાહીમ ભૈયાત દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે કે રવીદ્રા ગામના તળાવ પાસે તેઓના મિત્રો સાથે ચાલતા જઈ રહ્યા હતા.
કારમાંથી લાકડાનો સપાટો કાઢી હુમલો કર્યો હતો
દરમિયાન ગામમાં જ રહેતા ઝાબીર ગુલામ પટેલ પોતાની ફોરવ્હીલ થાર ગાડી પાદર તરફથી તેઓની તરફ પુર ઝડપે સાથે પાસેથી પસાર થયો હતો, જે બાદ સલીમ ભાઈએ ઝાબીરને બૂમ પાડી કહ્યું હતું કે ‘તું મારી ઉપર કેમ ગાડી ચઢાવી રહ્યો છે’ જે અંગેનું કહેતા ઉશ્કેરાયેલા ઝાબીરે કારમાંથી લાકડાનો સપાટો કાઢી લાવી સલીમ ભૈયાતના પગના ભાગે હુમલો કર્યો હતો. તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ મામલે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
કુકરમુંડાથી સુરત જતી એસ.ટી બસને ઉચ્છલમાં અકસ્માત નડ્યો, મહિલાને ઇજા
વ્યારા: કુકરમુંડાથી સુરત જઈ રહેલ એસટી બસને ઉચ્છલમાં અકસ્માત સર્જાયો હતો. બસ પાર્ક કરેલી બાઇક સાથે પણ અથડાઇ હતી, જેમાં મુસાફરોનો બચાવ થયો પણ બાઇક પાસે ઉભેલી એક મહિલાને ઇજા થઈ હતી.ઉચ્છલ તાલુકાના ગવાણ ગામ પાસે ઉચ્છલ- નિઝર સ્ટેટ હાઇવે નં.૮૦ ઉપર સવારે 10:15 વાગ્યે બસનાં ચાલક રમેશ પંડીત ચૌધરીએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી મો.સા. સાથે અથડાઈ હતી. જ્યાં ઉભેલી યોગેશ સુરેશ પાટીલની માતા રેખાબેન સુરેશભાઇ પાટીલને પગ તથા માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ઉચ્છલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સોનગઢનાં યોગેશ પાટીલની ફરિયાદને આધારે પોલીસે બસ ચાલક રમેશ પંડીત ચૌધરી વિરૂદ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે