અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર તાલુકામાં ચાલી રહેલા સુપર ફાસ્ટ એક્સપ્રેસ વેની (Express Way) કામગીરીને જંત્રીના ભાવના મુદ્દે નારાજ ખેડૂતોએ પુનઃ એકવાર અટકાવીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ૯, ભરૂચના ૧૨ અંકલેશ્વરના ૧૦ અને હાંસોટના ૧ ગામ મળી ૩૨ ગામના ૧૧૦૦થી વધુ ખેડૂતોની ૩૫૦૦ એકર જમીન એક્વાયર્ડ કરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવેની કામગીરી શરુ કરી હતી. જેમાં અંકલેશ્વરના દીવા ગામના ખેડૂતો (Farmer) દ્વારા જંત્રીના ભાવના મુદ્દે આરબીસ્ટ્રેશન કોર્ટમાં જિલ્લા કલેક્ટર સમક્ષ જતા પ્રતિ ચોરસ મીટર ૭૫૨ રૂપિયા ગણી તેના ૪ ઘણા રૂપિયાનો ભાવ ચૂકવવાનો હુકમ ગત ૨૫મી જૂન ૨૦૨૧ના રોજ કર્યો હતો. જંત્રીના ૨૦૧૦-૧૧ના ભાવની વિસંગતાને લઇ કોકડું ગૂંચવાયું હતું, તેને રાજ્ય સરકાર દ્વારા જંત્રી કમિટીની રચના કરી ઉકેલ લાવવામાં આવ્યો હતો અને સુરત, વલસાડ, નવસારી અને ભરૂચમાં આરબીસ્ટ્રેશન કોર્ટ નક્કી કરેલા ભાવ પ્રમાણે ચુકવણું કરવાનો હાઇવે ઓથોરિટીને હુકમ કર્યો હતો.
જોકે આ હુકમ પ્રમાણે નવસારી, સુરત અને વલસાડના ખેડૂતોને ૮૭૦ થી ૯૦૦ રૂપિયાનો પ્રતિ ચોરસ મીટર ભાવથી હાઇવે ઓથોરિટી દ્વારા ચુકવણી કરી દીધી હતી. તેની સામે આરબીસ્ટ્રેશન કોર્ટ ભરૂચ જિલ્લા જુના દીવા ગામમાં ખેડૂતો માટે ૭૫૨ રૂપિયા પ્રતિ ચોરસ મીટર ભાવ નિયત કર્યા બાદ જિલ્લાના ખેડૂતોને ચુકવણુ કરવાનું કહ્યા બાદ હાઇવે ઓથોરિટી પુનઃ ફરી ગઈ હતી, અને તેઓ ભરૂચ આરબીસ્ટ્રેશન કોર્ટના ચુકાદાને પડકારી ખેડૂતોને અંધારામાં રાખીને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકારી હતી. જેને લઇ ગત ધનતેરસના દિવસે કામ અટકાવ્યા બાદ જિલ્લા કલેક્ટરની મધ્યસ્થી બાદ પુનઃ કામ શરુ થયું હતું.
આમોદના માતર ગામથી અંકલેશ્વરના પુનગામથી લઇ હાંસોટના ઘોડાદરા સુધી અંદાજે ૬૦ કિ.મી સુધી રોડની કામગીરી ખેડૂતોએ અટકાવી
આ મામલે કોઈ નિર્ણય ન થતા પુનઃ ૪ દિવસ પૂર્વે ૧ લી ફેબ્રુઆરીથી કામગીરી અટકાવવા અંગે જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી હતી. જેના ભાગ રૂપે અંતે આમોદના માતર ગામથી અંકલેશ્વર તાલુકાના પુનગામથી લઇ હાંસોટના ઘોડાદરા સુધી અંદાજે ૬૦ કિ.મી સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કામગીરી અટકાવી દીધી હતી અને જ્યાં સુધી આરબીસ્ટ્રેશન કોર્ટ આધારિત ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કામ બંધ કરાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરુ કર્યું હતું.