ભરૂચ,અંકલેશ્વર: (Bharuch) રાજકોટના અગ્નિકાંડ તેમજ દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલની ગોઝારી ઘટના બાદ અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે એક મહિના માટે બંધ કરવાની નોબત આવી છે.
- અંકલેશ્વર જીઆઈડીસી ખાતેની ESIC હોસ્પિટલ સીલ: એક મહિના સુધી બંધ રાખવાની નોબત
- કેટલાંક દર્દીઓને રજા અને ગંભીર દર્દીઓને સિવિલમાં ખસેડાયા: કામદાર જગતની હાલત કફોડી
અંકલેશ્વર જીઆઈડીસીની કામદાર, રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) | હોસ્પિટલને ફાયર સેફટી સિસ્ટમના અભાવે એક મહિના માટે બંધ કરવાના નિર્ણય અંગેની બુધવારે મોદી સાંજે હોસ્પિટલ સંકુલમાં એક નોટિસ મૂકવામાં આવી હતી. હોસ્પિટલ સતાધીશોએ હાલ ૫૪ જેટલા સારવાર હેઠળના દદીઓ પૈકી કેટલાંકને ડિસ્ચાર્જ કર્યા હતા તેમજ આઈસીયુ હેઠળના દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
હોસ્પિટલના મેડિકલ સુપિરન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, બુધવારથી હોસ્પિટલને એક મહિના સુધી બંધ કરાઈ છે, યોગ્ય ફાયર સેફટીની સિસ્ટમ કાર્યન્વિત થયા બાદ હોસ્પિટલની તમામ આરોગ્ય સેવાઓ પૂર્વવત કરાશે. ઉલેખ્ખનીય છે કે રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડની ગોઝારી ઘટના ઉપરાંત દિલ્હીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેના ભાગ રૂપે એશિયાની સૌથી વિશાળ એવી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના કામદારો માટેની સૌથી મોટા અને મહત્વપુર્ણ આરોગ્ય માટે હોસ્પિટલ એક મહિના માટે સંપુર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતા કામદાર જગતમાં કફોડી હાલત ઉભી થઇ છે.