અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રા પાટિયા પર રાધે કોમ્પ્લેક્સના પાર્કિંગમાં (Parking) બાઈક ચોરીનો (Bike theft) બનાવ બન્યો હતો. આ ચોરીની સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં આવેલી એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ચાર બાઈક ચોર બાઈકને ચોરી કરીને લઈ જતા કેદ થયા હતા. ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે જીઆઇડીસી પોલીસે (Police) તપાસ શરૂ કરી હતી.
અંકલેશ્વરમાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે હવે વાહન ચોરો ધોળા દિવસે પણ ચોરીને અંજામ આપી રહ્યા છે. જાણે તેઓને પોલીસનો પણ હવે ડર નથી રહ્યો હોવાનું બતાવી રહ્યા છે. અંકલેશ્વર પીરામણ ગામના અફઝલ પઠાણ કાપોદ્રા પાટિયા કામ અર્થે આવ્યા હતા. તેઓ પોતાની બાઈક પાટિયા પર આવેલા રાધે કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગમાં પાર્ક કરી હતી. ત્યાંથી તેઓ કામ પતાવી પરત ફરતા બાઈક ચોરી થઇ ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી અફઝલ પઠાણે દુકાન પર લાગેલા સીસીટીવી સર્ચ કરીને જીઆઇડીસી પોલીસમથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં શોપિંગના પહેલા માળે લાગેલા એક દુકાનમાં સીસીટીવીમાં એક ઈસમ પાર્કિંગમાંથી બાઈક બહાર કાઢી આગળ વધે છે. ત્યારબાદ તેના અન્ય ચાર સાથીદાર જે નજીકમાં એક બાઈક પર ઊભા હતા. તે બાઈક લઇ નજીક આવી જાણે બાઈક બગડી ગઈ હોય તે રીતે ધક્કો મારી બાઈકને લઇ જતા નજરે પડે છે. બાઈક ચોરીની આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વાયરલ થયો હતો. બાઈક ચોરીની ઘટના અંગે પોલીસે બાઈક ચોરીની પ્રાથમિક જાણવાજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. તેમજ સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી.
અમરોલીથી ટીંબા ગલતેશ્વર મહાદેવ મંદિરે જતાં બાઇકસવાર ત્રણને અકસ્માત, એકનું મોત
કામરેજ: અમરોલીથી ટીંબા ગલતેશ્વર મહાદેવના મંદિરે બાઈક પર જતાં મામા-ફોઈના બે ભાઈ અને મિત્રને ટ્રકચાલકે અડફેટે લેતાં એકનું મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના બદનાવર ગામના વતની અને હાલ સુરતના અમરોલી-કોસાડની શિવનગર સોસાયટીમાં છેલ્લા એક માસથી જ અર્જુન ગબ્બાભાઈ દાયમા (ઉં.વ.18) ફોઈ સીતાબેન, ફૂવા કરણસીંગ ગુલાબસીંગ બગાડા સાથે રહે છે. ફોઈનો છોકરો વિજય કરણસીંગ બગાડા (ઉં.વ.18)નો મિત્ર હિતેશ સાથે શુક્રવારે કામરેજના ટીંબા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે હિતેશની બાઈક નં.(જીજે 05 એડબ્લ્યૂ 9190) લઈને ફોઈ છોકરો વિજય બાઈક ચલાવીને અર્જુન તથા મિત્ર હિતેશ સાથે નીકળ્યા હતા. મોટા વરાછા, વેલંજા, નવી પારડી, ઘલા પાટિયા થઈને ઘલા ગામ જતાં બપોરના 1.30 કલાકે વળાંક પાસે સામેથી હાઈવા ટ્રક નં.(જીજે 05 એઝેડ 6236)ના ચાલકે બાઈક સાથે અથડાવી દેતાં ત્રણેય બાઈક પરથી રોડ પર પટકાતાં વિજયને માથામાં ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે હિતેશને કપાળના ભાગે ઈજા થતાં 108માં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યારે અર્જુનનો બચાવ થયો હતો. અર્જુને ઘટનાની જાણ વિજયના પિતાને કરતાં તુરંત જ કામરેજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ અંગે અર્જુને કામરેજ પોલીસમથકમાં હાઈવા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.