અંકલેશ્વર: (Ankleshwar) કુલ 1600 ઉદ્યોગો અને તેમાં પણ અતિ જોખમી 88 ઉદ્યોગો ધરાવતો ભરૂચ જિલ્લો હવા પ્રદૂષણ મામલે રાજ્યમાં સુરત બાદ બીજા સ્થાને રહ્યો છે. લોકડાઉનમાં સૌથી સારી અસર ગુજરાતમાં થઈ હોય તો તે સૌથી શુદ્ધ હવાની હતી. એર ક્વોલિટી ઇન્ડેક્સમાં (Air Quality Index) અંકલેશ્વર (ભરૂચ) ગ્રીન સિટી ગાંધીનગરને માત આપી નંબર 1 પર પહોંચ્યું હતું. રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણે ભલે આર્થિક મંદી પ્રર્વતી હોય પરંતુ લોકડાઉન સમયે રસ્તાઓ ઉપરથી વાહનો અદ્રશ્ય થઈ જતાં હવામાં પ્રદૂષણ ઘટ્યું હતું. અને હવામાન આરોગ્યપ્રદ બન્યું હતું. હવામાં પોલ્યુશનનું પ્રમાણ જાણવા માટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા એર કવોલિટી ઈન્ડેક્ષ (AQI) તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્ષનો આંકડો જેટલો ઉંચો હોય તેટલું વાયુ પ્રદુષણ વધુ હોય છે.
તાજેતરમાં જ પ્રસિદ્ધ એર કવોલિટી ઈન્ડેક્ષ અનુસાર રાજ્યમાં માત્ર બે જ જિલ્લા એવા છે કે જ્યાં ઈન્ડેક્ષ બિલકુલ સંતોષજનક છે. રાજ્યમાં સૌથી શુદ્ધ હવા બનાસકાંઠા જિલ્લાના વતનીઓનાં ફેંફસાંને મળી રહી છે. કારણ કે આ જિલ્લામાં એર કવોલિટી ઈન્ડેક્ષ માત્ર 29 છે અને બીજા ક્રમે રહેલા આણંદ જિલ્લામાં આ ઈન્ડેક્ષ 34 છે.
જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હવામાં રહેલું પ્રદૂષણ આરોગ્ય માટે સ્વીકાર્ય હોવાનું આ ઈન્ડેક્ષમાં સ્વીકારાયું છે. પાટણ જિલ્લામાં એર કવોલિટી ઈન્ડેક્ષ 53, મહેસાણા જિલ્લામાં 72, અરવલ્લી જિલ્લામાં 92 અને સાબરકાંઠા જિલ્લામાં 56 છે. અરવલ્લી જિલ્લામાં 92નો ઈન્ડેક્ષ ધીમે પગલે 101ના આંક તરફ વધી રહ્યો છે. 101થી 150 વચ્ચેનો ઈન્ડેક્ષ હોય તો વાયુનું પ્રદૂષણ નુકસાન કરનાર છે અને તે વિસ્તારમાં રહેતા રહીશો ફેંફસામાં બિન આરોગ્યપ્રદ હવા ભરી રહ્યા છે. એર પોલ્યુશન અનેક બિમારીઓને આમંત્રણ આપે છે. અમદાવાદમાં 112, ખેડા 138, સુરત 189, ભરૂચ 182, આણંદ 34, બનાસકાંઠા 29, પાટણ 53, મહેસાણા 72, અરવલ્લી 92 અને સાબરકાંઠા 56નો સમાવેશ થાય છે.
ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં લોકડાઉન વેળા હવા પ્રદૂષણનું સ્તર 19 સુધી પહોંચી જતા રાજ્યમાં ગાંધીનગર ગ્રીન સિટીને શુદ્ધ હવામાં માત આપી નંબર વન બન્યો હતો. અનલોક બાદ ધીમે ધીમે જનજીવન અને ઉદ્યોગો ધમધમતા થઈ જતા હાલ એશિયાની નંબર વન ઔદ્યોગિક વસાહત સહિત પાનોલી, દહેજ, જંબુસર, ઝઘડિયા, વિલાયત, સાયખાના કારણે ભરૂચનો AQI હાલ 182 પહોંચી ગયો છે. સૌથી વધુ સુરતમાં પ્રદૂષિત હવા બાદ ભરૂચ જિલ્લો હવા પ્રદૂષણમાં બીજા નંબરે આવી ગયો છે.રાજ્યમાં ભરૂચ જિલ્લામાં 1,600 ઉદ્યોગો સાથે 6 લાખ વહાનો તેમજ અન્ય રાજ્યોમાંથી તેમજ હાઇવે પરથી પસાર થતાં રોજિંદા 40,000 વાહનોને કારણે પ્રદૂષણની માત્રા અન્ય જિલ્લાઓ કરતા ઊંચી રહે છે. એવામાં વર્ષે ઉદ્યોગોમાં બનતા આગજનીના બનાવોમાં હવા પ્રદુૂણનું સ્તર વધુ ગંભીર માત્રા એ પહોંચી જાય છે.