અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના દઢાલ બ્રિજ (Bridge) પાસે એક્ટિવા સવાર દંપતીને ઇકો કારના ચાલકે (Car Driver) અડફેટમાં લીધા હતા. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પત્નીનું ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે પતિ પણ ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતા ઇસ્માઇલ અહેમદ પટેલ ઉ.વ.50ના પત્ની યાસ્મિનબેન ઉ.વ.45 સાથે એક્ટિવા પર સવાર થઈને દઢાલ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન તેઓની પાછળ આવતી એક ઇકો કારના ચાલકે કારને પૂરઝડપે હંકારીને એક્ટીવાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ઇકો કારની ટક્કરથી એક્ટિવા સવાર દંપતી ઉછળીને રોડ પર પછડાયું હતું.
સર્જાયેલા અકસ્માતમાં ઇસ્માઇલ પટેલને ડાબા હાથની કોણીમાં ઇજા પહોંચી હતી જયારે યાસ્મિનબેનને હાથ પગ તેમજ શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર બાદ યાસ્મિનબેને હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. અકસમાત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
બહેનની અંતિમવિધિમાં ગયેલા ભાઈની જીપ સંજાલી ગામે પલટી ખાતાં ભાઈનું પણ મોત
ઝઘડિયા: બહેનની અંતિમવિધિમાં ગયેલા ભાઈની જીપ સંજાલી ગામે પલટી ખાતાં ભાઈનું પણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના ગુંડેચા-૨ ગામના જયંતીભાઇ ધુળાભાઇ વસાવા સંજાલી ગામે રહેતી તેમની બહેન શનીબેન વસાવાનું મરણ થયું હોવાથી ૧૮મી એપ્રિલે તેઓની અંતિમક્રિયામાં પોતાની જીપ ગાડી નં. (GJ-16-BN-7756)માં તેમની પત્ની અને ફળિયાની અન્ય મહિલાઓને લઈને ગયા હતા. બપોરના ચારેક વાગ્યે અંતિમવિધિ પૂર્ણ કરીને તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા. એ વેળા સંજાલી ગામે તેમની જીપ બગડી જતાં તેમના પત્ની અન્ય વાહનમાં બેસીને ઘરે ગયા હતા.
સંજાલી ગામે જીપ બંધ પડી ગયા બાદ ગાડીને જયંતીભાઇએ એક ટ્રેકટર ચાલકની મદદ લઇને દોરડાથી ફોર વ્હિલને ટ્રેકટર સાથે બાંધીને બહાર લાવતા હતા, ત્યારે અચાનક દોરડું તુટી જતાં જયંતીભાઇથી ફોર વ્હિલ કાબુમાં ના રહેતા તે રોડની બાજુમાં પલટી ખાઈ ગઇ હતી. આ ઘટનામાં જીપ ચાલક જયંતીભાઇ વસાવાને છાતીના ભાગે ઈજા થઈ હતી. ઇજાગ્રસ્ત જયંતીભાઇ ચક્કર આવીને ગભરામણ થતાં અર્ધબેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટના અંગે જયંતીભાઇને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જતાં તબીબે મરણ જાહેર કર્યા હતા. આ ઘટના સંદર્ભે મૃતકના પુત્ર જીગ્નેશભાઇ જયંતીભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ આપતા પોતાના મૃતક પિતા સામે ગુનો નોંધાવ્યો હતો