Comments

‘અંગ્રેજો તો ગયા પણ અંગ્રેજી કયારે જશે?’

15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીને 76 મા વર્ષમાં પ્રવેશ કરશે. પણ મૂળભૂત સ્વતંત્રતાના અનુભવથી આપણે ઘણાં દૂર છીએ. ખાસ તો રોજિંદા જીવનમાં ન્યાય, શિક્ષણ, શાસન કે વ્યવહારમાં આપણને ખરી સ્વતંત્રતાનો અનુભવ થતો નથી. ‘અમે ભારતનાં લોકો’…થી શરૂ થયેલું આપણું બંધારણ આપણે જ આપણી જાતને સમર્પિત કર્યું છે. જેમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જેવાં મૂલ્યો સ્વીકારાયાં છે. અહીં સ્વતંત્રતાનો અર્થ છે ‘નિર્ણયની સ્વતંત્રતા’ અને સમાનતાનો અર્થ છે તકની સમાનતા! હવે આ સ્વતંત્રતા અને સમાનતાનો લોકોને રોજિંદા જીવનમાં અનુભવ થવો જોઇએ. શિક્ષણ મેળવવાની સમાન તક મળવી જોઇએ, ન્યાય મેળવવાની તક મળવી જોઇએ.

આપણે બંધારણમાં 13 જેટલી ભાષાઓને માન્ય ભાષા ગણી જ છે! અને ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશના નામે ભેદ પાડવામાં નહિ આવે તેમ પણ સ્વીકાર્યું છે. છતાં આપણા રોજિંદા જીવનમાં ભાષાને કારણે ભેદ વધતો જાય છે. માત્ર અંગ્રેજી ન આવડવાના કારણે વ્યકિતને શિક્ષણ, ન્યાય કે શાસનથી વંચિત રહેવું પડે છે! શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ તેવી ચર્ચા થાય છે. પણ જેને અંગ્રેજી માધ્યમમાં ભણવું હોય તે અંગ્રેજીમાં ભણે અને જેને માતૃભાષામાં ભણવું હોય તેને પણ તક મળવી જોઇએ તે વાત મહત્ત્વની છે. સ્વતંત્રતાનાં 75 વર્ષે પણ આપણે એ નક્કી ન કરી શકયા કે ‘ભાષા’ મહત્ત્વની કે ‘જ્ઞાન’! ખરેખર તો દેશનાં રાજયોમાં માન્ય ભાષાઓ છે.

આ ભાષામાં અભ્યાસક્રમો તૈયાર થઇ જ શકે. શરૂઆતના તબક્કે અંગ્રેજી જાણનારા પર આપણો આધાર રહે તે સ્વાભાવિક છે. પણ હવે તો મેડીકલ (આરોગ્ય અને ઇજનેરી (એન્જીનિયરીંગ) જેવી તમામ શાખાઓમાં આપણી પાસે પ્રાદેશિક ભાષાના તજજ્ઞો છે. ડોકટર દર્દીને તેની ભાષામાં સાંભળે છે અને તેને સમજાય એવી ભાષામાં જ ઉપચાર પણ કરે છે તો આવા તજજ્ઞ દાકતરો ગુજરાતી ભાષામાં આરોગ્ય શાસ્ત્રનાં પુસ્તકો ન લખી શકે? જ્ઞાનને અંગ્રેજીની કેદમાંથી મુકત કરવું તે પણ સ્વતંત્રતાની લડત જ છે. (અહીં ફરી સ્પષ્ટતા કે આપણે કિલષ્ટ અનુવાદની વાત નથી કરતાં, શુધ્ધ સર્જનની વાત કરીએ છીએ.)

શિક્ષણની જેમ જ ન્યાય એ લોકશાહીનો અગત્યનો આધાર છે. ભારતમાં આજે પણ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અંગ્રેજીનું જ પ્રભુત્વ છે! ન્યાય મેળવનારા બંને પક્ષો મોં વકાસીને જોયા કરે છે કે તેમના વકીલો તેમના બદલે કઇ દલીલો કરે છે. આ અંગ્રેજીના પ્રભાવને કારણે કાયદાકીય આંટીઘૂંટીઓ વધતી જાય છે અને તકનો લાભ લેનારા કેટલાક વકીલો અંદરોઅંદર સંપ કરીને પોતાના અસીલોને જ છેતરી શકે છે!

દુનિયામાં  પૂરા એક કરોડની વસ્તી ન હોય તેવા દેશો પોતાની ભાષામાં શિક્ષણ, ન્યાય, વ્યવહાર ચલાવે છે. દુનિયા અંગ્રેજીનો બીજી ભાષા તરીકે જ ઉપયોગ કરે છે. પ્રથમ ભાષા તો તેમની માતૃભાષા જ છે. ભારતમાં તો છ સાત કરોડની વસ્તી ધરાવતાં રાજયો પોતાની ભાષામાં ન્યાય, શિક્ષણ કે શાસન આપી શકતાં નથી. આપણી કમનસીબી એ છે કે રાજયો અંદરોઅંદર ભારતીય ભાષાઓના વિરોધમાં લડે છે અને વિદેશી ભાષાને હોંશ ગૌરવભેર સ્વીકારે છે.

સ્વતંત્ર ભારતમાં આપણે બંધારણમાં ઘણા સુધારા કર્યા છે. વધુ એક સુધારો કરવો પડે તો કરો, પણ દ્વિભાષાનો સિધ્ધાંત સ્વીકારો ,દરેક રાજયના નાગરિકને પોતાની ભાષામાં ન્યાય, શિક્ષણ, શાસન મેળવવાનો અધિકાર હોવો જ જોઇએ. અંગ્રજોને હાંકી કાઢયા પછી અંગ્રેજીની ગુલામી તોડવાનો સમય આવી ગયો છે. ‘ગુગલ’ જો પોતાનો વેપાર વધારવા ભારતીય ભાષાનો ‘ઓપ્શન’ આપી શકે!

હોલીવુડ ફિલ્મો પોતાનો વેપાર વધારવા ભારતીય ભાષાઓમાં ફિલ્મો રજૂ કરી શકે તો ભારત સરકાર પોતાનાં નાગરિકોને પોતાની ભાષામાં ભણવાનો વિકલ્પ કેમ ન આપી શકે! ‘મારી ભાષામાં ન્યાય, મારી ભાષામાં શિક્ષણ’ આ મુદ્દા પર સક્રિય ચર્ચાઓ થવી જોઇએ! શોધશો તો ઉકેલ મળશે! જો આપણે રાજયની ભાષાનો આદર કરીશું અને વિકલ્પ ઊભા કરીશું તો વિકેન્દ્રીકરણ થશે અને થોડાક ‘અંગ્રેજી જાણનારા’ ના હાથમાંથી દેશને મુકિત મળશે!

ન્યાય અને શિક્ષણની જેમ શાસનમાં પણ અંગ્રેજીનું પ્રભુત્વ છે અને વધતું જાય છે. માટે જ આપણા ચુંટાયેલા નેતાઓ માત્ર કહેવા પૂરતા ‘નેતા’ હોય છે. મૂળમાં તો તેઓ અધિકારીઓના આશ્રિત જ હોય છે. થોડાક દુભાષિયાની જગ્યા નહીં ભરીને આપણે શાસનને અંગ્રેજીનું ગુલામ બનાવ્યું છે. જરા વિચારો, જર્મનીમાં જર્મન ભાષાથી જ શિક્ષણ, ન્યાય, શાસન ચાલે છે. ફ્રાન્સમાં ફ્રેન્ચ, બ્રાઝિલમાં પોર્ટુગીઝ, નેધરલેન્ડમાં ડરા, એકલા યુરોપમાં જ દરેક યુરોપિયન દેશ પોતાના દેશની ભાષામાં જીવે છે. માત્ર ભારત અને તેના જેવા વિકસતા દેશો જ અંગ્રેજીના અહોભાવને છોડી શકતા નથી.

ભાષાના પ્રભુત્વ સાથે ભાષામાં રચાયેલા સાહિત્ય અને સંદર્ભ ગ્રંથોનું પ્રભુત્વ વધે છે. જેનાથી તે ભાષામાં વ્યકત વિચારધારાઓનું પ્રભુત્વ વધે છે. એટલે ભાષા જ મનનું વૈચારિક ‘કન્ડીશનીંગ’ કરે છે જે વૈચારિક ગુલામી સર્જે છે. માટે જ દેશમાં શરીરથી ભારતીય પણ વિચારથી અંગ્રેજો વધી રહ્યા છે. વર્તમાન સરકાર ભારતમાં વર્ષો પહેલાં થયેલા હુમલાઓ અને નાશ પામેલ સભ્યતા સંસ્કૃત બચાવવાના પ્રયત્ન કરે છે પણ વર્તમાનમાં મન મસ્તિષ્ક પર થતા વિદેશી હુમલા બાબતે નચિંત છે. જો કે આ કોઇ એક પક્ષ, ધર્મ, પ્રદેશનો પ્રશ્ન નથી.

સૌ સાથે બેસીને નક્કી કરશે તો સર્વસંમતિથી આ નિર્ણય થશે કે ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, કર્ણાટકમાં કન્નડ અને કેરલમાં મલયાલમ ભારતમાં શિક્ષણ, ન્યાય, શાસન થશે! સ્વતંત્રતા એ બહુઆયામી શબ્દ છે. પ્રતીકો દ્વારા તેની ઉજવણી અને સરકારી ઉત્સવોથી આગળ તે રોજિંદા જીવનમાં ‘અનુભૂતિ’ બને તે જરૂરી છે. સ્વતંત્રતાના 75 મા વર્ષે આપણે વિચારવું પડશે કે આપણે ખરી સ્વતંત્રતા તરફ આગળ વધવું છે કે નહીં! ‘દુનિયા જયારે ઊંઘતી હશે ત્યારે ભારત સ્વતંત્રતાની દિશામાં ડગ માંડશે’ એમ માનીને ચાલેલા આપણે ખરા અર્થમાં આત્મનિર્ભર થવું છે કે નહીં!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top