વિરપુર : વિરપુર ગ્રામ પંચાયતના અણઘણ આયોજનના કારણે ભૂલકાઓને સ્વાસ્થ્યના જોખમે શિક્ષણ લેવા મજબૂર થવું પડી રહ્યું છે. નગરના તલાવડી વિસ્તારમાં આંગણવાડી પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરના ગંદા પાણી ઉભરાતાં વાલીઓમાં રોષ ભડક્યો હતો અને તાત્કાલિક સફાઇ કરવા ઉગ્ર રજુઆત કરી હતી. વિરપુરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગ તથા ગટરો ઉભરાવવાને કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ખાસ કરીને આંગણવાડી પાસેના વિસ્તારમાં ગંદકીને કારણે માસૂમ ભૂલકાઓના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. વિરપુર શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી અનેક સ્થળોએ સફાઈના અભાવે ગંદકી જોવા મળી છે.
વિરપુરની તલાવડી વિસ્તારમાં જાહેર રોડ પર તેમજ આંગણવાડી પાસે ગટરનુ દુષિત પાણી ફરી વળ્યુ છે. તલાવડી વિસ્તારમાં અવાર નવાર ગટર ચોકઅપ થઈ જવાના કારણે તેમજ ગટરની યોગ્ય સમયે સફાઈના અભાવના લીધે આંગણવાડી પાસે ગંદકી જોવા મળી રહી છે. આંગણવાડીમાં નાના બાળકો પણ આ રસ્તા પરથી પસાર થઈને આંગણવાડીમાં ભણવા જતા હોય છે. આ ગંદકીના લીધે મોટો રોગચાળો ફાટી નીકળે તેવી પરસ્થિતિ અહીં નિર્માણ પામી છે. આથી, સ્થાનિકોએ આ ગંદકીને લઈને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક ગ્રામ પંચાયતનું પેટનુ પાણી પણ હલતું નથી. આવનાર દિવસોમાં આંગણવાડી પાસેની ગંદકીની સફાઈ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકોએ વ્યકત કરી છે. આંગણવાડી પાસે દવાનો છટકાવ કરીને વિસ્તારમાં સ્વચ્છતા રાખવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે.
વિરપુરના તાલુકા વિકાસ અધિકારી રજુઆતની રાહ જોઈ રહ્યા છે
‘વિરપુરના તલાવડી વિસ્તારમાં આંગણવાડી પાસેની ગંદકીની બાબતને લઇને અમારી સુધી કોઈ રજુઆત કરવામાં આવી નથી. જો રજુઆત આવશે આંગણવાડી પાસેની ગંદકી દુર કરવામાં આવશે.’
– અશ્વીન પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી, વિરપુર.
આંગણવાડી બહેનોઅે જાણ કરી છે
‘વિરપુરના તલાવડી વિસ્તારની આંગણવાડી ગંદકીને લઈને સ્થાનિક તેમજ આંગણવાડી બહેનો દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતના બંને તલાટી કમ મંત્રીને મૌખીક જાણ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં ગંદકી દુર કરવામાં આવી નથી.’ – સવિતાબહેન પરમાર, સીડીપીઓ, વિરપુર.
એક વર્ષથી ગંદકી છે, સફાઇ થતી નથી
‘તલાવડી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગંદકી થઈ છે. આજદિન સુધી આ ગંદકી દુર કરવામાં આવી નથી. તલાવડી વિસ્તાર પાસે આંગણવાડી આવી છે, જેમાં અમારા બાળકો ભણવા આવે છે. એટલી હદે ગટરની ગંદકીની દુર્ગંધ આવે છે કે અમારા બાળકોને અવારનવાર ઊલ્ટી અને માથું દુઃખે તેવી ફરીયાદો બાળકો કરે છે. આ બાબતની જાણ મામલતદાર, તાલુકા પંચાયત કચેરી અને ગ્રામ પંચાયતને પણ જાણ કરી છે પણ આજદિન સુધી અહીં સફાઈ કરવામાં આવી નથી. ’ – મીનાબહેન વણઝારા, વાલી.