નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ પવિત્ર ગોમતીઘાટ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલાં બ્યુટીફિકેશનની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી ટુંકા ગાળામાં જ ઘાટ જર્જરિત બન્યો છે. ઘાટ પર બનાવેલી મઢુલીઓ તુટવા લાગી છે. જેને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવાછતાં મઢુલીનું સમારકામ કરાતું ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં થોડા વર્ષો અગાઉ જ પવિત્ર ગોમતી તળાવ ફરતે કરોડો રૂપિયાના ખર્ચે ઘાટનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. આ બ્યુટીફિકેશનની કામગીરી ચાલતી હતી તે વખતે જ કામમાં મસમોટો ભ્રષ્ટાચાર થતો હોવાની બુમો પણ ઉઠી હતી. પરંતુ, કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત ધરાવતાં અધિકારીઓ અને નેતાઓએ આ મામલે કોઈપણ જાતની તપાસ હાથ ધરી ન હતી. જેને પગલે કોન્ટ્રાક્ટરને ફાવતું જડ્યું હતું અને હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી, જેમતેમ કામ પૂર્ણ કરી દીધું હતું. જેથી ગણતરીના મહિનાઓમાં જ ઘાટ જર્જરિત થવા લાગ્યો હતો.
ડાકોરના લાખોના ખર્ચ છતાં ગોમતીઘાટની રેલીંગો, ટાઈલ્સો, બાંકડા થાંભલીઓ તુટી જતાં આ કામગીરીમાં થયેલો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગતો હતો. એવામાં થોડા મહિનાઓ અગાઉ ઘાટ પર બનાવવામાં આવેલી મઢુલીની આખેઆખી છત તુટી પડી હતી. આ મઢુલી તુટ્યાંને છ મહિના કરતાં વધુનો સમય વિતી ગયો છે. તેમછતાં ભ્રષ્ટ તંત્ર દ્વારા આ તુટેલી મઢુલીનું સમારકામ કરવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. જેને પગલે નગરજનો ઉપરાંત ગોમતીઘાટની મુલાકાતે આવતાં શ્રધ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નેતાઓ અને અધિકારીઓ તુટેલી મઢુલીની મરામત કરાવવા નિરસ
ભાજપ દ્વારા તાજેતરમાં જ યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદસભ્ય, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ એકત્રિત થઈને યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવના ઘાટ ઉપર સાફ-સફાઈનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જે પૈકી મોટાભાગના નેતાઓ અને અધિકારીઓની નજર આ તુટેલી મઢુલી ઉપર પડી હતી. પરંતુ, એકપણ અધિકારી કે નેતાએ આ મઢુલીની મરામત કરાવવા અંગે રસ દાખવ્યો ન હતો.