Madhya Gujarat

નડિયાદની જેલ તોડી પાડવાના નિર્ણયથી રોષ

નડિયાદ:ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરના સ્ટેશન વિસ્તારમાં વર્ષો જુની જિલ્લા જેલ આવેલી છે. જે સબ જેલ તરીકે ઓળખાય છે. આ જેલ દેશના આઝાદી પૂર્વે બનાવવામાં આવી હતી. વર્ષો પહેલાં કેદીઓને આ જેલમાં કેદીઓને રાખવામાં આવતાં હતાં. આ જોકે, છેલ્લાં ઘણાં વર્ષોથી આ જેલ બંધ હાલતમાં છે. ત્યારે, નડિયાદ નગરપાલિકા દ્વારા આ જુની જેલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના વિરોધમાં ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના લિગલ સેલના પ્રમુખ જે.જી.તલાટીએ રાજ્યપાલ, મુખ્યમંત્રી, પ્રાદેશિક કમિશ્નર, જિલ્લા કલેક્ટર તેમજ પાલિકાના ચીફઓફિસરને લેખિત રજુઆત કરી છે અને સબ જેલને તોડવા પર રોક લગાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.

જિલ્લા કોંગ્રેસ લિગલ સેલના પ્રમુખે કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, સબ જેલનું મકાન આશરે 85 વર્ષ જુનુ છે અને હજી પણ અડીખમ છે. તેને હેરીટેજ બિલ્ડીંગ પણ કહી શકાય તેમ છે. અંગ્રેજોના જમાનામાં બાંધવામાં આવેલ આ જેલ ઐતિહાસિક છે, કારણ કે આ જેલમાં દેશની આઝાદીના લડવૈયાઓએ કારાવાસ ભોગવેલ છે. ત્યારે, નડિયાદ નગરપાલિકા દ્વારા એકાએક આ સબ જેલને તોડી પાડવાનો આઘાતજનક નિર્ણય લીધો છે. આ જેલ તોડી પાડીને નગરપાલિકા તેની જગ્યાએ શું બનાવવા માંગે છે તે જાણી શકાયું નથી, વાણિજિયક હેતુ માટે આ જગ્યાએ કોઈ બાંધકામ કરવાનો પાલિકાનો ઈરાદો હોઈ શકે છે.

જેનાથી પાલિકા આવક ઉભી કરી શકે. પરંતુ, આવક ઉભી કરવાના પાલિકાના છેલ્લાં કેટલાક વર્ષોના પ્રયત્નો સફળ થયાં નથી. પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે બંધાવેલ અનેક શોપીંગ કોમ્પ્લેક્ષો આજે ધૂળ ખાઈ રહ્યાં છે અને કચરાપેટીઓ મુકવાની જગ્યા તેમજ અસામાજીક તત્વોના અડ્ડા બની ગયાં છે. જો નગરપાલિકાનો ઈરાદો આ મિલ્કતને તોડી પાડીને આવક ઉભી કરવાનો હોય તો તેને હાલની સ્થિતીએ રાખીને પણ આવક ઉભી થઈ શકે તેમ છે.

આ ઐતિહાસિક ધરોહરને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો અપાવીને તેને પ્રવાસન સ્થળ તરીકે અને દેશભક્તોના પરાક્રમોની ગાથા ગાતા સ્થળ તરીકે પણ વિકસાવી શકાય તેમ છે. આ જેલમાં કારાવાસ ભોગવેલ સ્વાતંત્ર્ય સેનાનીઓનો ટુંકો પરિચય ધરાવતી તકતીઓ લગાવીને તથા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નડિયાદ સહિત જિલ્લાના દેશભક્તોએ ભજવેલ ભુમિકાનો ઓછો પરિચય આપીને આ સ્થળને દેશભક્તિના રંગેરંગીને તેને વધુ આકર્ષક અને લોકભોગ્ય બનાવી શકાય તેમ છે. તેમાં દેશભક્તિની નાટિકાઓનો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ યોજી શકાય તેમ છે.

આવા પ્રવાસન સ્થળની મુલાકાત લેવાથી નાગરીકોમાં દેશની આઝાદી વિશે પ્રત્યક્ષ માહિતી મેળવવાની ઉત્કંઠા પણ પૂર્ણ થઈ શકે તેમ છે અને સાથે સાથે તેઓને દેશની આઝાદી કાડે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદો વિશે જાણકારી મેળવીને તેમના પ્રત્યે ગૌરવાન્વિત થવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. જેથી આ સબ જેલના મકાનને તોડી પાડવાને બદલે પ્રવાસન સ્થળ તથા દેશભક્તોના પરાક્રમોની ગાથા ગાતા સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરી છે.

આ મિલ્કતને પોતાની માલિકીની ગણી તોડી પાડવા માટે પાલિકા હકદાર નથી
જાણવા મળ્યાં મુજબ આ મિલ્કતના માલિકો દ્વારા સને 1935 માં સરકારના સેક્રેટરી ઓફ સ્ટેટસ ફોર ઈન્ડિયાના પ્રતિનિધિ એવા કલેક્ટર સાથે ગીરો કરાર કરવામાં આવેલા છે. આ મિલ્કતના માલિકોના વારસદારો આજે પણ હયાત છે. તેમછતાં કલેક્ટર, સરકાર અને નડિયાદ નગરપાલિકા વચ્ચે થયેલાં અંદરોઅંદરના કરારોમાં મુળ માલિકોને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી. આ સંજોગોમાં મુળ માલિકોનો માલિકી હક્ક કાયમ રહે છે. જેથી આ મિલ્કતને પોતાની માલિકીની ગણીને તોડી પાડવા માટે નગરપાલિકા કોઈ રીતે હકદાર બનતી નથી. આમ, જો સરકાર દ્વારા જ નાગરીકોના અધિકારોનું ઉલ્લંઘન થશે અને કાયદાનો સરેઆમ ભંગ કરવામાં આવે તે વ્યાજબી અને યોગ્ય ગણી શકાય નહીં.

Most Popular

To Top