Madhya Gujarat

સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ સામે રોષ

આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણી સામે અધ્યાપક મંડળ દ્વારા બાંયો ચડાવવામાં આવી છે. આ અંગે બુધવારના રોજ આપવામાં આવેલા આવેદનપત્રમાં કુલપતિના વર્તન સહિત તેમના દ્વારા લેવાયેલા વિવિધ નિર્ણયો સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દિવસ સાતમાં પ્રત્યક્ષ મિટીંગ કરી ચર્ચા કરવા માગ કરી હતી અને તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલપતિ તરીકે ડો. શિરીષ કુલકર્ણીના નિર્ણયને લઇ શૈક્ષણિક, બિન શૈક્ષણિક, વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં રોષ ભડક્યો છે.

આ અંગે બુધવારે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેમાં અનેક મુદ્દાઓમાં કુલપતિ સામે આક્ષેપ કરવામાં આવ્યાં હતા. જેમાં તેમના વાણી – વર્તનને લઇ સૌ કર્મચારીઓ માટે અસહ્ય રહ્યો છે. સંચાલકો સાથે પણ ઉદ્ધત અને બિનજવાબદારીભર્યુ વર્તન કરવામાં આવે છે. ખાસ કરીને હાલમાં જ ચાલુ શૈક્ષણિક વર્ષનું જે સત્ર નક્કી કરવામાં આવ્યું છે, તેમાં અધ્યાપકો, આચાર્યોના સલાહ – સૂચન લેવામાં આવ્યાં નથી. જેના કારણે દિવાળી તેમજ ઉનાળાનું વેકેશન તેઓએ જે નક્કી કર્યું છે,તે ગુજરાતની કોઇ પણ કોલેજ – યુનિવર્સિટીને સ્વિકાર્ય ન હોય તેવું નક્કી કરવામાં આવ્યું છે.

સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય આવુ થયું નથી. આથી, અન્ય યુનિવર્સિટીઓ પ્રમાણે શૈક્ષણિક સત્ર નક્કી કરવાનો અનુરોધ કર્યો હતો.  આ ઉપરાંત અધ્યાપકોને પરીક્ષાપત્રોમાં થતી ક્ષતિને લઇ આપવામાં આવતી સજા, કોરોના ટેસ્ટમાં કર્મચારી અને વિદ્યાર્થીઓ માટે ટેસ્ટનો ભાવ અલગ રાખી કરાતો અન્યાય, અધ્યાપકો દ્વારા પરીક્ષાના પ્રશ્નપત્રોની ચકાસણીના મહેનતાણામાં નક્કી કરેલા દરથી કપાત કરવામાં આવે છે, તે ફંડનો હિસાબ આપવામાં આવતો નથી. કુલપતિ દ્વારા અવાર નવાર જુદી જુદી સંસ્થાના સંચાલકો, અધ્યાપકો, આચાર્યો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મૌખિક તેમજ ટેલીફોનિક ધમકી આપવામાં આવે છે.

યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ખર્ચને જે પ્રકારે કાયદાકીય રીતે ઉપયોગમાં લેવાની અપેક્ષા રખાય છે. તો સામે યુનિવર્સિટી દ્વારા પણ નિયમોનું પાલન થવું જોઈએ. છેલ્લી સિન્ડીકેટમાં જે પ્રકારે સરદાર પટેલના સ્ટેચ્યુ માટે કોઇ પણ પ્રકારના ટેન્ડરની પ્રક્રિયા ન કરી સીધો જ ઓર્ડર આપવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા સંલગ્ન સંસ્થાઓમાં કોઇ કોર્સ અથવા તો વિષયોની શરૂઆત કરવા માટે મંજુરી માંગવામાં આવે છે ત્યારે કેટલીક બાબતોમાં અનિર્ણાયક રાખી, કોઇ પણ રીતે સંસ્થાને મુશ્કેલી ઉભી કરી મંજુરી આપવામાં આવતી નથી. સિન્ડિકેટ દ્વારા જ નક્કી કરેલી સમિતિએ નિર્ણય કર્યો હોય તેમ છતાં જાણી જોઇને કોઇને કોઇ બહાના હેઠળ મંજુરી ન મળતા છેવટે મંડળોએ કોર્ટનો આશરો લેવાની ફરજ પડે છે. આ તમામ બાબતોએ દિવસ સાતમાં પ્રત્યક્ષ મીટીંગ કરી ચર્ચા કરવા કુલપતિને જણાવવામાં આવ્યું છે. જો કોઇ કાર્યવાહી નહીં થાય તો નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

બોર્ડ ઓફ સ્ટડીઝમાં નિમણૂંક નિયમો વિરૂદ્ધ

બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન સહિતની નિમણૂંક નિયમો વિરૂદ્ધ છે. અધ્યાપકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કુલપતિ દ્વારા યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન તેમજ સભ્યો અને વિવિધ ફેકલ્ટીના ડીન તરીકેની જે પ્રકારે નિમણૂંકો કરવામાં આવી છે, તે યુનિવર્સિટીના નિયમોથી પર છે. તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. તમે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છો. હાલમાં જ ઔદ્યોગિક રસાયણશાસ્ત્રના બોર્ડને રસાયણ શાસ્ત્રમાં શા માટે સમાવી લીધું ? જેનો અધ્યાપકો વિરોધ કરીએ છીએ. તેવી જ રીતે બીજા પણ અનેક બોર્ડને જુદા જુદા વિષયના બોર્ડમાં સમાવવાના કારણે વિષયોની ગરિમા હણાતી હોય તેવું અધ્યાપકો સતત અનુભવી રહ્યા છે. આથી, દરેક બોર્ડને સ્વતંત્ર જ રાખવામાં આવે તેવી ઇચ્છા છે. અગાઉ જે જુદા જુદા વિષયના બોર્ડ હતા તેને સ્વતંત્ર રીતે પુનઃ શરૂ કરવા માગણી કરી હતી.

પીએચ.ડી.ના નિયમોમાં ફેરફારથી હાલાકી

હાલમાં યુનિવર્સિટીમાં પીએચડીના જે નીતિનિયમો નક્કી કરવામાં આવ્યાં છે, તેમાં એવું જોવા મળી રહ્યું છે કે સંશોધનકર્તાને યુનિવર્સિટી દ્વારા યેનકેન પ્રકારે હેરાન કરવાની વૃત્તિ વધુ હોય તેમ લાગે છે. કેટલાક કિસ્સાઓમાં નીતિનિયમો નેવે મુકી ખાનગી રાહે સંશોધનકર્તા દ્વારા રજુ કરવામાં આવેલા સંશોધનકાર્યને ચકાસવા અન્ય યુનિવર્સિટીમાં મોકલી આપવામાં આવે છે. જો આ બાબત સાચી હોય તો તે ખરેખર ગેરકાયદેસર છે.

વિદ્યાર્થીઓને રમતમાં ભાગ લેવા મુદ્દે અન્યાય

યુનિવર્સિટી દ્વારા નવા પ્રવેશ લેનારા પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ જે તે કોલેજમાં પ્રવેશ મળી ગયા પછી પણ તેઓને યુનિવર્સિટી દ્વારા આયોજીત જુદી જુદી રમતોમાં ભાગ લેવા દેવામાં ન આવતા હોવાથી તેઓ ઇન્ટર યુનિવર્સિટી તેમજ વેસ્ટ ઝોન અને અખિલ ભારતીય સ્તરે તેઓમાં કુનેહ હોવા છતાં ભાગ ન લઇ શકે તેવું બને છે. તેથી જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોય અને જે તે કોલેજ દ્વારા તેનું નામાંકન થયું હોય તેમને ભાગ લેવા દેવો જોઈએ.

ઇન્ટરનલ માર્ક્સની એન્ટ્રી કરવા પોર્ટલમાં લીંક ચાલુ ન થતાં વિદ્યાર્થીઓને હાલાકી

યુનિવર્સિટીના પોર્ટલમાં પરીક્ષા ફોર્મ કે ઇન્ટરનલ માર્ક્સની એન્ટ્રી કરવા માટેનો પરિપત્ર કોલેજને મળી જાય તે દિવસે કે તેના ત્રણથી ચાર દિવસ સુધી કર્મચારીઓ યુનિવર્સિટીના પોર્ટલમાં લીંક ચાલુ ન થવાથી એન્ટ્રી કરી શકતા નથી. વિદ્યાર્થીઓના પરીક્ષા નંબર કોલેજને પરિપત્ર મળ્યા બાદ પોર્ટલ પર મુકવામાં આવે છે. જેથી જરૂરી એન્ટ્રી કરી શકાતી નથી. પરીક્ષા ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખોમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કર્મચારીઓને ત્રણથી ચાર કલાક લાઇનમાં ઊભું રહેવું ન પડે. ઘણી વખત પરિપત્રો તેની તારીખથી ત્રણથી ચાર દિવસ પછી મળતાં હોય છે.

પરીક્ષાલક્ષી સ્ટેશનરીના બિલ પાસ થતા નથી

પરીક્ષાલક્ષી સ્ટેશનરી સરદાર પટેલ યુનિવર્સિટીના ફોર્મેટ પ્રમાણે માંગવામાં આવતી હોય તેમ છતાં તેમાંથી અડધી સ્ટેશનરી સ્ટોરમાંથી મળતી નથી. જે સ્ટેશનરી મળે છે તે બે ત્રણ ધક્કા પછી મળે છે.  કોલેજ દ્વારા સ્ટેશનરીનું બિલ મુકાય તો તે મંજુર થતું નથી. પરીક્ષા ફોર્મની કિંમત જ્યારે દસ રૂપિયા હતી ત્યારે તેના સાત રૂપિયા કર્મચારીને આપવામાં આવતા હતા. હવે જ્યારે તેની કિંમત વિસ રૂપિયા બમણી કરવામાં આવી છે ત્યારે કર્મચારીને મળતી રકમ બમણી કરવામાં આવી નથી.

વડોદરાના જ કોન્ટ્રાક્ટરને અપાતા કામો

કુલપતિ તરીકે નિમણૂક બાદ યુનિવર્સિટીના કોઇ પણ કોન્ટ્રાક્ટ વડોદરાની સંસ્થાને જ આપવામાં આવે છે. પછી તે જમવાનો હોય કે બાંધકામનો કોન્ટ્રાક્ટ હોય છે.  તેવી જ રીતે યુનિવર્સિટીમાં 37 કરોડના હિસાબોમાં ગેરરીતિઓ જોવા મળી રહી છે. જેનો અહેવાલ હજુ આપવામાં આવ્યો નથી. અનુસ્નાતક બાયોસાયન્સ વિભાગમાં આગ લાગવાથી કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જેમાં દસ કરોડનો વિમો લેવામાં આવતો હતો. પરંતુ વિમાના પ્રિમિયમની રકમ સમયસર ન ભરવાના કારણે યુનિવર્સિટીને મોટું નુકશાન થયું છે. તો જવાબદાર સામે કાયદેસરના પગલાં ભરવા અનુરોધ છે.

Most Popular

To Top