અનાવલ: (Anaval) મહુવા પોલીસે (Police) કાની ગામની સીમમાંથી હાઇવા ડમ્પરમાં લઈ જવાતો 10.86 લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડ્યો હતો. 25,87,500નો કુલ મુદ્દામાલ કબજે કરી ડમ્પરના ચાલક અને ક્લીનરની અટક કરવામાં આવી હતી. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
- કાની ગામમાં ડમ્પરમાં લઈ જવાતો રૂ.10.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- દારૂ, ડમ્પર અને મોબાઇલ સાથે 25,87,500નો મુદ્દામાલ કબજે
મહુવા પોલીસમથકના પી.એસ.આઈ. એસ.એમ.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાની ગામની સીમમાં આંટિયા ફળિયાના બસ સ્ટેન્ડ નજીકથી એક હાઈવા ડમ્પર નં.(GJ-21-W-9063)માં પાસ પરમિટ વિના મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું હાઈવા ડમ્પર આવી ચઢતાં તેમાં તલાસી લેતાં ડમ્પરમાં સંતાડેલી દારૂની બોટલો નંગ-12,060 કિં.રૂ.10,86,000, હાઈવા ડમ્પર તેમજ મોબાઈલ ફોન મળી રૂ.25,87,500નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે ડમ્પરના ડ્રાઇવર દીપેન્દ્ર શિવપ્રસાદ બાલમુકુંદ યાદવ (રહે.,સેલવાસ, મૂળ રહે.,એમ.પી.) અને ક્લીનર જશવંત ઉર્ફે સંતોષ સંતનિવાસ ગૌતમ (રહે.,વલસાડ, મૂળ રહે.,યુ.પી.)ની અટક કરી છે. જ્યારે પાયલોટિંગ કરનાર કારચાલક, દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને રિસિવરની વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાપીમાં ચાલી માલિક અને ભાડૂઆત દારૂના કેસમાં ઝડપાયા
વાપી : વાપી ડુંગરા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી નજીકના ચણોદ ગામ, સાંઈનગર, પાણીની ટાંકીની બાજુમાં અમર નગર, રામજી ઉર્ફ રામમિલાવટની ચાલીમાં બે ઈસમ દારૂનું વેચાણ કરતા હોય પોલીસે રેઈડ કરી હતી. જેમાં દારૂ વેચનાર બે ઈસમ (1) પ્રશાંત ઉદયસિંહ ચૌહાણ (ઉં.22, રહે. શિવશકિત એપાર્ટમેન્ટ, ચણોદ) તથા (2) રામજી ઉર્ફે રામમિલાવટ નરસિંહ ભાનુશાળી (ઉં.65, રહે. હરીયાપાર્ક) ઝડપાઈ ગયા હતા. જેમની રૂમમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે કોઈ પાસપરમીટ ન હતી અને આ દારૂનો જથ્થો તેઓને (1) હરીચરણ ઉર્ફે હરી બંગાળી અર્જુન પાસવાન (2) ઉમાકાંત ઉર્ફે ગુલ્લુ મોરનચરણ અને (3) લવકુશ ઉર્ફે ફન્ટુસ સિંગ (તમામ રહે. ચણોદ-વાપી) આપી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.31,550નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.