Madhya Gujarat

આણંદના નવા બસ સ્ટેન્ડમાં તસ્કરોની રંજાડ વધી

આણંદ : આણંદ જિલ્લા મથકે નવા બસ સ્ટેન્ડથી સમગ્ર જીલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં આવવા જવા માટે વહેલી સવારથી માંડી સાંજ સુધી રોજીંદા મુસાફરો સહિત વિધાર્થીઓની ભીડ રહે છે. આણંદ નવા બસ સ્ટેન્ડ પરથી સંચાલન થતા વિવિધ બસ રૂટ દ્વારા ખુબ મોટી સંખ્યામાં આવન જાવન રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડ ખાતે અનેક મુસાફરો વિદ્યાર્થીઓના પાકિટ, રોકડ રકમ અને કિંમતી સામાનની ઉઠાંતરી વધી રહી હોવાનું મુસાફર જનતામાં ચર્ચાઈ રહ્યું છે.

આણંદનુ નવું બસ સ્ટેશન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા વગેરે વગેરે સ્થળોએ જવા માટે બસ સેવા મળી રહે છે. પરંતુ આ બસ સેવાની સાથે સાથે મુસાફરોના જાનમાલની સુરક્ષાનો વિકટ પ્રશ્ન ઉદભવ્યો છે. આણંદ બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ પર સીસીટીવી કેમેરા વ્યવસ્થા નથી. છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો અને ખિસ્સા કાતરુઓ તેમજ ટપોરીઓના કારસ્તાનનો ભોગ રોજીંદા મુસાફરો અને દૂર દૂરથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી ભાઇ બહેનો બની રહ્યા છે. સીસીટીવી કેમેરા વ્યવસ્થા ના હોવાથી ગણતરીની મિનિટોમાં જ તફડંચી અને છેડતી છેતરપિંડી કરતા ગઠિયાઓ રફુચક્કર થઈ જાય છે. આ મામલે સંબંધિત એસટી તંત્ર અને સ્થાનિક બસ ડેપો સંચાલકો દ્વારા જાહેર હિતમાં સીસીટીવી કેમેરા માટે વ્યવસ્થા કરવામાં આવે તો મુસાફરોની સુરક્ષાનો વિકટ પ્રશ્ન ખૂબ જ સરળતાથી ઉકેલી શકાય તેમ છે તેવો સુર ડાકોરના દિપકભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

નવા બસ સ્ટેન્ડ ખાતેથી રોજબરોજ વિવિધ જીલ્લામાં ને આંતરિક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જવા આવવા માટે દિવસભર પાંચ હજાર કરતાં વધુ મુસાફરોને આણંદ નવા બસસ્ટેશન ખાતે ફરજીયાત પણે આવવાનું રહે છે. આણંદના મુસાફરો અને શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જાનમાલની રક્ષા અને અઘટિત ઘટનાના આગોતરા નિવારણ માટે સીસીટીવી કેમેરા વ્યવસ્થા અંત્યત જરૂરી છે. જેથી આગામી દિવસોમાં વહેલામાં વહેલી તકે જવાબદાર અધિકારીઓ દ્વારા સીસીટીવી કેમેરા વ્યવસ્થા માટે ત્વરિત નિર્ણય લેવો જોઈએ તેવી ઉગ્ર માંગ વ્યક્ત કરવામાં આવી છે.

ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી પર્વ ટાણે ભીડ થતાં ચિંતાજનક પરિસ્થિતી સર્જાશે
આણંદ જિલ્લામાં તાજેતરમાં જ રક્ષાબંધન પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં મુસાફરોએ આણંદ બસસ્ટેશન ખાતેથી સરકારી બસસેવાનો લાભ લીધો હતો. પરંતુ બસસેવા મળવાની સાથે ઘણા બધા મુસાફરોના જાનમાલની રક્ષા માટે સમસ્યા સર્જાઈ હતી. તસ્કરોએ પોતાનો હાથફેરો અજમાવી લીધો હતો. જોકે તફડંચીનો ભોગ બનેલા મુસાફરોએ ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. આવનાર દિવસોમાં દિવાળીનું પર્વ આવતા સુધીમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રિ મહોત્સવ શરૂ થનાર છે. જનતા વિવિધ પ્રકારની ખરીદી અને સ્નેહીજનો સાથે નવા દિવસોમાં મુલાકાત માટે આણંદ બસ સ્ટેશન દ્વારા અવર જવર કરશે ત્યારે વિકટ સમસ્યાનો સામનો કરવાની નોબત આવશે. પરંતુ સીસીટીવી કેમેરા વ્યવસ્થા કરવામાં આવે તો દરેક મુસાફરોને જાનમાલની રક્ષા અને છેડતી છેતરપિંડીના બનાવોના ભોગ બની જાય ત્યારે ઘણી જ મદદ મળી શકે તેમ છે.

Most Popular

To Top