આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બનેલી હોટલ બ્લ્યુ આઈવી ફરી ચર્ચામાં આવી છે. હોટલનું બાંધકામ નિયમ મુજબ ન હોવાથી તેને બિલ્ડીંગ યુઝ મંજુરી મળી ન હતી. આમ છતાં હોટલ ધમધમતી હોવાથી પ્રાંત અધિકારીએ એકશનમાં આવી તેને સીલ મારી દીધું હતું. આણંદ શહેરના વિકાસ સાથે અવકૂડાની રચના કરવામાં આવી છે. અવકૂડા દ્વારા બાંધકામની મંજુરી આપવામાં આવે છે. જેના માટે નિયમો નક્કી કર્યાં છે, તે બાંધકામના નિયમનો ભંગ કરીને હોટલ બ્લ્યુ આઈવી બનાવવામાં આવી છે. આથી, તેનો વપરાશ અટકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બિલ્ડીંગ યુઝ પરમીશન માટે જેતે સમયે હોટલના સંચાલકો દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ નિયમ મુજબ બાંધકામ ન હોવાથી અરજી દફતરે કરવામાં આવી હતી. જોકે, હોટલ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદાસ્પદ બની છે. તેના બાંધકામને લઇ આસપાસના રહિશો હાઈકોર્ટ સુધી પહોંચ્યાં છે.
અવકૂડા કોઇ કાર્યવાહી ન કરતાં હાઈકોર્ટના દ્વાર ખટખટકાવવા પડ્યાં
આણંદ શહેરનો સુવ્યવસ્થિત વિકાસ થાય તે માટે અવકૂડાની રચના કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓ અને બિલ્ડરોની મિલિભગતના કારણે અવકૂડા માત્ર કાગળ પર જ રહી છે. શહેરમાં માર્જીન ભંગ, બીયુ પરમીશન વગર બિલ્ડીંગનો વપરાશ ધમધમતો થાય છે. આ બધુ અધિકારીઓ જાણતા હોવા છતાં પગલાં ભરતાં નથી. આથી, સામાન્ય પ્રજાને હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા પડે છે. તે આશ્ચર્યજનક બાબત છે.