આણંદ : આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હૃદયરોગની ખામી ધરાવતા 685 બાળકોના ઓપરેશન કરવામાં આવ્યા છે. હાલમાં જિલ્લામાં જન્મજાત હૃદયરોગની બિમારી ધરાવતા 79 બાળકો મળી આવ્યા છે. જેમને હવે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે હૃદયની ખામીની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. આ સંદર્ભે આણંદ જિલ્લા પંચાયત ભવન ખાતે જન્મજાત હૃદયરોગના બાળકોને શુભેચ્છા પાઠવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે જણાવ્યું કે, રાજય સરકાર છેવાડાના માણસ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી રહી છે. લોકોએ પોતાના બાળકના વજન, લોહી અને અન્ય બાબતો માટે જાગૃત થવું જોઇએ. તેમણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0થી 18 વર્ષના બાળકોને સરકાર દ્વારા તદ્દન મફત સારવાર આપવામાં આવે છે, તેનો દરેક લોકોએ લાભ લેવો જોઈએ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન હેમાબેન, મુખ્ય જિલ્લા આરોગય અધિકારીશ્રી ર્ડા.એમ.ટી.છારી, ડો. રાજેશ પટેલ તથા આરોગ્ય વિભાગના ર્ડાકટર્સ સહિત આરબીએસકે યોજના હેઠળના લાભાર્થી બાળકો તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા.