આણંદ : આણંદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ડેડ કેનાલ પર માર્ગ બનાવવાના સફળ પ્રયોગના ભાગરૂપે નેશનલ હાઈવે રાવડાપુરાથી લાંભવેલ અને છેક કરમસદ સુધી દસ કિલોમીટરના રસ્તા માટે 90 કરોડમાંથી 50 કરોડ મંજુર પણ થયાં છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનીયર દ્વારા તાંત્રિક મંજુરી ન આપવાના કારણે આ કામ હાલ ટલ્લે ચડ્યું છે. બીજી તરફ દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. જેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આણંદ શહેરના વિકાસ સાથે વાહનોની સંખ્યા વધી છે. આ વાહનોના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયાં છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નેશનલ હાઈવેથી આણંદ શહેરને જોડવા ટીપી સ્કીમ અંતર્ગત નહેર વિભાગ હસ્તકની જમીન નહેર બંધ થવાથી નવા લીંક રોડના બાંધકામ માટે નિયત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના સીઆરએફ યોજના અંતર્ગત 2019માં નવા બાયપાસ રોડ નેશનલ હાઈવે બાયપાસ રોડ નેશનલ હાઈવે -48 થી સ્ટેટ હાઈવે – 83 એટલે કે રાવડાપુરાથી આણંદ, કરમસદ, સોજિત્રા રોડ મંજુર કરવામાં આવ્યો છે.
નેશનલ હાઈવેથી પસાર થતી પેટલાદ બ્રાન્ચ કેનાલ આણંદ શહેરમાંથી પસાર થતી કેનાલ ડેડ કેનાલ થયેલી છે. આ કેનાલ પર 10.77 કિલોમીટરનો રસ્તો બનાવવા માટેની કાર્યવાહી આર એન્ડ બી (માર્ગ અને મકાન વિભાગ) દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી નથી. સૌથી મહત્વની બાબત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 90 કરોડ રૂપિયા એસ્ટીમેન્ટમાં 50 કરોડનો જોબ નંબર પણ ફાળવી દેવામાં આવ્યો છે. અવકુડા દ્વારા જમીન ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. રસ્તાની ખુલ્લી જમીનની વિગતો આપી છે. આમ છતાં પણ માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનીયરના આડોડાઇના કારણે આણંદને હજુ પણ મંજુર થયેલા રસ્તા માટે કેટલી રાહ જોવી પડશે ?
તે પ્રશ્નાર્થ છે. ચીફ એન્જિનીયર દ્વારા તાંત્રિક મંજુરી ન આપવાના કારણે રોડ બનતો નથી અને શહેરી વિસ્તારનો ટ્રાફિક પ્રશ્ન હલ થતો નથી. કેનાલની પહોળાઇ 14 મીટર સંપાદીત છે. આણંદના ટ્રાફિક માટે નવો વૈકલ્પીક રસ્તા બને તે ખૂબ જ જરૂરી છે. પરંતુ કેનાલના રસ્તાના પહોળાઇને પ્રશ્ન બનાવી હજુ સુધી અવકૂડા, આરએન્ડબી, પાલિકા દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી નિર્ણયના અભાવે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે. આથી, આ પ્રોજેક્ટનું કામ ઝડપથી શરૂ થાય તે માટે પ્રજામાં પણ માંગણી ઉઠી છે. પરંતુ લાંબો સમય થવા છતાં મંજુરી ન મળતાં દિવસે દિવસે પ્રોજેક્ટ કોસ્ટ પણ વધી રહી છે.
સૌરાષ્ટ્ર તરફ જતા ભારે વાહનો અને બસથી ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની
ગોધરા – સૌરાષ્ટ્ર વચ્ચેનો ટ્રાફિક આણંદ શહેરમાંથી પસાર થાય છે. હાલ સામરખાથી ભાલેજ ચોકડી થઇ ચિખોદરા ચોકડીમાંથી આણંદ થઇ સૌરાષ્ટ્ર તરફ જાય છે. ચિખોદરા ચોકડીથી પ્રવેશ કરતા ભારે વાહનો, બસનો ટ્રાફિક સૌરાષ્ટ્ર તરફ જવા બોરસદ ચોકડી, સોજિત્રા અને તારાપુર તરફ જાય છે. હાલ ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી સતત ટ્રાફિક સમસ્યા રહેતી હોય છે.
આણંદમાં ડેડ કેનાલ પર રસ્તો બનાવવી નીતિ સફળ રહી
આણંદમાં તત્કાલિન કલેક્ટર ધવલ પટેલ દ્વારા ડેડ કેનાલ પર માર્ગો બનાવવાનો પ્રયોગ કર્યો હતો. જેમાં શહેરની બાકરોલ ટીથી છેક જીઆઈડીસી સુધી બનેલા 18 મીટર પહોળા રસ્તાથી ટ્રાફિક સમસ્યા મહંદ હળવી થઇ છે. બાદમાં બાકરોલ સહિતના વિસ્તારની ડેડ કેનાલ પર રસ્તો બનાવવા પણ માંગણી થઇ હતી. પરંતુ અવકૂડાના ડીપીમાં બાયપાસ રસ્તાની દરખાસ્ત કરાઇ હતી. જે રાવડાપુરાથી કરમસદ સુધીનો છે. આ કામ માર્ગ મકાન વિભાગને સોંપવામાં આવ્યું છે.