આણંદ : આણંદ શહેર – જિલ્લામાં છેલ્લા દોઢ દાયકામાં થઇ રહેલા વિકાસના પગલે બાંધકામઉદ્યોગને વેગ મળ્યો છે. તેમાંય છેલ્લા બે વર્ષમાં 49,793 મિલકતનું ખરીદ વેચાણ થયું છે. જેમાં સરકારને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.156 કરોડ અને નોંધણી ફી રૂપે રૂ.29 કરોડની આવક થઇ છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ દસ્તાવેજો પૈકી 50 ટકાથી વધુ દસ્તાવેજો આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જ નોંધાયાં છે. આણંદ નગર અને તેની આસપાસ જિલ્લાના વિસ્તારોમાં થઇ રહેલા વિકાસની શાખ પૂરતા સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોરોનાકાળના લોકડાઉન બાદ મિલ્કતોના ખરીદ વેચાણના દસ્તાવેજોની નોંધણીનો ધમધમાટ થઇ રહ્યો છે. વર્ષ 2020-21ના કોરોનાકાળમાં પણ 26,358 જેટલા દસ્તાવેજોની નોંધણી જિલ્લાની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થઇ છે. વર્ષ 2021-22માં જિલ્લામાં 23,435 દસ્તાવેજોની નોંધણી થઇ છે. છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 156.23 કરોડ અને નોંધણી ફિ પેટે રૂ. 29.39 કરોડ મળી કુલ રૂ. 185.62 કરોડની આવક રાજ્ય સરકારને થઇ છે.
આ અંગે આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીના સબ રજીસ્ટ્રાર એમ. આર. ગુજ્જરે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના આઠેય તાલુકાની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2020-21માં 26,358 દસ્તાવેજો નોંધાયા હતા. જેની સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 83.79 કરોડ અને નોંધણી ફી પેટે રૂ. 15.97 કરોડ સહિત રૂ. 99.77 કરોડની આવક રાજ્ય સરકારની તિજોરીમાં થઇ છે. તેવી જ રીતે વર્ષ 2021-22માં 23,435 દસ્તાવેજો નોંધાયા હતા. જેની સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 72.43 કરોડ અને નોંધણી ફિ પેટે રૂ. 13.41 કરોડ સહિત રૂ. 85.85 કરોડની માતબર રકમ રાજ્ય સરકારને મળી છે.
વધુમાં એમ.આર. ગુજજરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 26,979 દસ્તાવેજોની નોંધણી આણંદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં થઇ હતી. જેની કુલ આવક રૂ. 133.43 કરોડ થવા જાય છે. અહીં આણંદ નગર ઉપરાંત વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ચિખોદરા સહિતના વિસ્તારોમાં વધુ દસ્તાવેજોના ખરીદવેચાણ થઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા કુલ દસ્તાવેજોની સાપેક્ષે આ જ કચેરીમાં 50 ટકાથી વધુ દસ્તાવેજો નોંધાયા છે.
કોરોના બાદ મોટા ઘરમાં રહેવાનું ચલણ વધ્યું છે
આણંદના જે.ડી. બિલ્ડરના જયેશ જે. પટેલે જણાવ્યું હતું કે, આણંદમાં કોરોનાકાળ દરમિયાન લોકોમાં અસલામતી ઉભી થઇ હતી. બેન્કમાં નાણા મુકવાના બદલે મિલકતમાં રોકાણ તરફ વળ્યાં છે. તેમાં નાના ઘરના લોકોને મોટા ઘરનું મહત્વ સમજાતા મોટા મકાનની ખરીદી વધી છે. જેના કારણે તેજી આવી છે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે, હાલમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. જેની સીધી અસર બાંધકામક્ષેત્ર પર પડી છે.