આણંદ : નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેટીક કોચ તરીકે ફરજ બજાવતા યુવકને ફેસબુક પર વિદેશી યુવતી સાથે ફ્રેન્ડશીપ થઇ હતી. આ ફ્રિન્ડશીપમાં વિશ્વાસ કેળવી યુવતીએ તેમના ઘરે આવવા જણાવ્યું હતું. પરંતુ તે એરપોર્ટ પર તેને કસ્ટમ વિભાગે પકડી હોવાની વાત કરી છુટવા માટે કટકે કટકે રૂ.4.98 લાખ પડાવ્યાં હતાં. આ છેતરપિંડીની મોડે મોડે જાણ થતાં આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદ શહેરના વેન્ડર ચાર રસ્તા પર આવેલી મુખીની ચાલીમાં રહેતા મનસુખભાઈ તાવેથીયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એથ્લેક્ટક કોચ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના પત્ની હંસાબહેન ખાનગી કંપની તરફથી મરીડા ભાગોળ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતાં ખેલાડીઓને ઇજા થાય તો તેઓને પ્રાથમિક સારવાર આપવાની નોકરી કરે છે. મનસુખભાઈના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર એકાદ મહિના પહેલા કેરોલીન ડેસમંડ નામની યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી.
જે રીકવેસ્ટ તેઓએ એક્સેપ્ટ કરતા કેરોલીન ડેસમંડ નામની યુવતીએ ચેટીંગથી વાતચીત શરૂ કરી હતી. બાદમાં તેણે મોબાઇલ નંબર માંગતા તે આપ્યો હતો. જેથી કોલ પણ શરૂ થયાં હતાં. મનસુખભાઈ અને તેમના પત્ની હંસાબહેન બન્ને તેની સાથે નિયમિત વાત કરતાં હતાં. આ સમયે કેરોલીન લંડન રહેતી હોવાનો પરિચય આપ્યો હતો અને મહિના સુધી વાતચીત બાદ વિડીયોકોલ પણ કરતાં હતાં. આમ દંપતીનો વિશ્વાસ કેળવી લીધો હતો.
દરમિયાનમાં 17મી જાન્યુઆરી,23ના રોજ કેરોલીન ડેસમંડે તેમને ઘરે ભારત આવવાનું કહ્યું હતું. જેથી હા પાડતા તેણે જરૂરી દસ્તાવેજ મોકલી આપ્યાં હતાં. પરંતુ 23મી જાન્યુઆરીના રોજ એક અજાણી મહિલાનો કોલ આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મુંબઇ એરપોર્ટથી કસ્ટમ અધિકારી ગુપ્તા બોલું છું. તમારી મિત્ર રૂપિયા તથા ડોલરની મોટી માત્રાની રકમ રાખવાના આરોપસર અમારી સમક્ષ પકડાઇ છે. જેથી તેમની પાસે રહેલી વસ્તુ છોડાવવા માટે તમારે પાંચ લાખ ભરવા પડશે. તો જ તમે તમારા મિત્ર તથા તેઓની રહેલી રૂપિયા તથા ડોલરને છોડીશું.
નહીં તો તેઓ સાથે કાયદેસરની કાર્યવાહી થશે. જેમાં તમારૂ પણ નામ આવશે. જેથી ગભરાયેલા મનસુખભાઈ અને હંસાબહેને નાણા ભરવાની સમહતી આપી હતી. બાદમાં તેઓએ 23મી અને 24મી જાન્યુઆરીના રોજ કટકે કટકે રૂ.2,08,800 મોકલ્યાં હતાં. બાદમાં ફરી જીએસટી ક્લીયરન્સ સર્ટીફિકેટના નામે વધુ રૂપિયા માંગતાં વધુ 2.90 લાખ મોકલી આપ્યાં હતાં. આમ બે દિવસ દરમિયાન 4,98,800 જેવી રકમ પડાવ્યાં બાદ ઇન્શોયરન્સના વધુ રૂ.14 લાખ માંગ્યાં હતાં. આ માંગણીથી મનસુખભાઈ અને હંસાબહેન ચોંકી ગયાં હતાં.
તેઓએ આ અંગે તપાસ કરતાં છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યું હતુ. આખરે આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કેરોલીન ડેસમંડ નામની અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ – ખેડા જિલ્લામાં સાયબર માફિયાઓ વિવિધ તરકીબો અજમાવી ભાળી પ્રજાને છેતરી રહ્યાં છે. જોકે, આવા ગઠિયાઓએ સાવધાન રહેવા પોલીસ વિભાગ દ્વારા પણ વારંવાર સુચના આપવામાં આવે છે. ખાસ કરીને કોઇ પણ અજાણ્યા શખસને બેન્કની વિગત કે ઓટીપી ન આપવા અપીલ કરાઇ છે.