આણંદ : આણંદના લીંગડા – ભાલેજ રોડ પર બિલ્ડરે પાઇપ લાઇન નાંખવા માટે ધોરી માર્ગ ખોદી નાંખ્યો હતો. આ અંગે કોઇ મંજુરી પણ લેવામાં આવી નહતી. આ મામલો માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચતા બિલ્ડર્સ સામે કાર્યવાહી કરવા પોલીસમાં રજુઆત કરી હતી. આણંદના ભાલેજ ઓવરબ્રિજથી સામરખા ચોકડી વચ્ચે રસ્તાને નુકશાન પહોંચાડવા બાબતે નાયબ કાર્યપાલક ઇજનેરે પોલીસમાં રજુઆત કરતાં જણાવ્યું હતું કે, લીંગડા – ભાલેજ – આણંદ રોડ આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજથી લીંગડા ગામ સુધી જોડતો રાજ્ય ધોરી માર્ગ કચેરી હસ્તકનો છે.
આ માર્ગ પર 27મી મેના રોજ વિઝીટ દરમિયાન ભાલેજ ઓવરબ્રિજ અને સામરખા ચોકડી વચ્ચે સ્થાનિક પુછપરછ કરતાં હાલાણી હિલ્સના બિલ્ડર્સ દ્વારા પાઇપ લાઇન નાંખવાની કામગીરી પ્રગતિ હેઠળ જોવા મળી હતી. જેમાં બિલ્ડર્સ દ્વારા ચાર માર્ગીય રસ્તાને તથા સેન્ટ્રલ વર્જને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું હતું. જેની મંજુરી પણ મેળવવામાં આવી નથી. ટ્રાફિકવાળા વિસ્તારમાં કચેરીની જાણ બહાર ગેરકાયદેસર રીતે ખોદકામ કરી આ પાઇપ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહેલી છે. જે અંગે બિન પરવાનગી વગર કરેલી કામગીરીની યોગ્ય તપાસ કરી જે તે સંબંધિત ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ.
આણંદ પાલિકા પણ બહાદુરી બતાવે તે જરૂરી
આણંદના ભાલેજ ઓવરબ્રિજ પર ધોરી માર્ગ ખોદવા બદલ માર્ગ અને મકાન વિભાગે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આણંદ શહેરમાં બિલ્ડર્સ દ્વારા રસ્તાઓ વારંવાર ખોદી નાંખવામાં આવે છે. ત્યાં સુધી કે વિદ્યાનગર રોડ પરના કોમ્પ્લેક્સના ગટર લાઇન સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનમાં આપી દેવામાં આવ્યાં છે. આમ છતાં પાલીક દ્વારા કોઇની સામે પગલાં ભરવામાં આવતાં નથી. જેને કારણે કેટલાક બિલ્ડર્સ બેફામ બની ગયાં છે.