Madhya Gujarat

આણંદમાં એગ્રીકલ્ચર એનાલિટીક્સથી ડેટાનું એનાલિસીસ થશે

આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટીમાં દેશનો પ્રથમ એગ્રીકલ્ચર એનાલિટીક્સ કોર્ષ શરૂ થવા જઇ રહ્યો છે. આ કોર્ષમાં દેશભરના કૃષિ પાકની આંકડાકિય માહિતી ભેગી કરવામાં આવશે. જેના પર સંશોધન કરી કૃષિક્ષેત્રે વિકાસ કરવો સરળ રહેશે. દેશના પ્રથમ એગ્રીકલ્ચર એનાલિટીક્સ વિષય પર આણંદ કૃષિ યુનિવર્સિટી અને ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ રિમોટ સેન્સિંગના સંકલનથી ચાલુ કરવામાં આવ્યો છે.

આ કોર્ષ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અતર્ગત અમલમાં આવતા ખેતીની આવકમાં સુધારો કરવાની સાથે સાથે ડેટા-આધારિત નિર્ણયને પ્રોત્સાહિત કરવા અને ખેડૂતો માટે મુખ્ય નીતિ વિષયક નિર્ણયો લેવા માટે એક મહત્વપૂર્ણ અગ્રણી પગલું બનશે. કૃષિ ક્ષેત્રમાં સ્માર્ટ ડેટા હેન્ડલિંગ દ્વારા માન્ય માહિતી પ્રાપ્ત કરીને કુશળતાન લાવવા અને આવશ્યક કૌશલ્યો વધારવા માટે પણ આ કોર્ષ મહત્વનો બની રહેશે.

વડાપ્રધાનના સ્કિલ ઈન્ડિયા વિઝન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલીકરણ પરના ભાવિ દૃષ્ટિકોણને તેમજ કૃષિ ક્ષેત્રમાં કુશળ માનવ શક્તિની વધતી જતી જરૂરિયાતને ધ્યાને રાખીને આણંદ કૃષિ યુનિવર્સિટીએ આ વર્ષથી કૃષિ વિશ્લેષણમાં (Agriculture Analytics) 2 વર્ષનો નવો માસ્ટર પ્રોગ્રામ શરૂ કરવા માટે સક્રિય પગલું ભર્યું છે. ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશનએન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ડીએઆઈઆઈસીટી), ગાંધીનગર અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (આઈઆઈઆરએસ), દેહરાદૂન નામની બે અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે મળી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ નવીન અનેમલ્ટી ડિસિપ્લિનરી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. આ ત્રણ મહત્વની શૈક્ષણિક અને આર એન્ડ ડી સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિવિધ સ્તરે ચર્ચાઓ અને બેઠકો કર્યા બાદ આ કોર્ષ અમલમાં મૂકવામાં આવ્યો છે.

આ કોર્ષ માટે ડીએઆઈઆઈસીટી ગાંધીનગર અને આણંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે થયેલા એમઓયુ કરાતા આ વર્ષથી જ પ્રથમ બેચમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના ચાર સેમેસ્ટર દરમિયાન ત્રણેય સંસ્થામાં થોડા થોડા અંતરાલે અભ્યાસ કરી શકાશે. ડો.એમ.કે. ઝાલા, સંશોધન નિયામક અને પીજી સ્ટડીઝના ડીન અને ડો. જી.આર. પટેલ, રજિસ્ટ્રારે શરૂઆતથી જ આ કોર્ષ ચાલુ કરવામાં ખૂબ જહેમત ઉઠાવી છે. તેઓએ વિધાર્થીઓને આ અનોખા અભ્યાસક્રમનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું.

એગ્રીકલ્ચર એનાલિટીક્સ વિષયમાં ફક્ત 30 વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવશે
આ અંગે વાઈસ ચાન્સેલર ડો. કે.બી. કથીરિયાએ જણાવ્યું હતું કે, એમએસસી એગ્રીકલ્ચર એનાલિટીક્સ વિષયમાં કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ કરેલ વિદ્યાર્થીઓ એડમીશન લઈ શકશે. આ વિષયમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ પરીક્ષા આપવાની રહેશે. આ વિષયમાં ફક્ત 30 વિદ્યાર્થીઓની સીટ નક્કી કરવામાં આવી છે.ચાર સેમીસ્ટરમાં વેચાયેલા આ કોર્સમાં વિદ્યાર્થીઓએ પ્રથમ સેમીસ્ટર ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશનએન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી ગાંધીનગર, બીજું સેમીસ્ટર આણંદ કૃષિ યુનિવર્સીટી, ત્રીજા સેમીસ્ટરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (આઈઆઈઆરએસ), દેહરાદૂનમાં ભણાવામાં આવશે અને અંતે ચોથા સેમીસ્ટરમાં પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરીને આપવાનો રહેશે.

આ કોર્ષનો શું ઉદ્દેશ છે ?
મલ્ટિડિસિપ્લિનરી પ્રોગ્રામનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને ભવિષ્યમાં કેવી રીતે આગળ લઈ જવું ? તેના માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો છે. આ કોર્ષ કૃષિ ક્ષેત્રમાં સ્માર્ટ ડેટા હેન્ડલિંગ દ્વારા માન્ય માહિતી પ્રાપ્ત કરીને કુશળતા લાવવા અને આવશ્યક કૌશલ્યો વધારવા માટે મહત્વનો બની રહેશે. કૃષિના પરિવર્તિત યુગ હેઠળ આ કોર્ષના અનુસ્નાતકોને તમામ ક્ષેત્રો, સંગઠનો, કૃષિ-વ્યવસાય અને બજારના માર્ગોમાં ઉચ્ચ અને વધુ સારી રોજગારીની અપેક્ષા રહેશે.

ડેટાનો એનાલિસીસ કરીને આગળની પોલિસી તથા કૃષિ ક્ષેત્રે સુધારો કરીને વિકાસ કરી શકશે
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડો. કે.બી. કથીરિયએ જણાવ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી આ પ્રકારના વિશિષ્ટ અભ્યાસક્રમ થકી કૃષિ ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણમાં સ્માર્ટ ટેકનોલોજી આધારિત પરિવર્તનો માટે સદાય પ્રયત્નશીલ છે. આ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓને ઘણી નવી તકો પ્રદાન થશે, જે તેને દેશના અન્ય ભાગોમાં તેની વ્યાપક પ્રતિકૃતિઓ માટે એક રોલ મોડેલ તરીકે દર્શાવાશે અને એનઈપી-2020 ઉદ્દેશ્યો માટે નવા દ્વાર ખોલશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ કૃષિ અંગેના નેશનલ લેવલે ભેગા કરેલા ડેટાનો એનાલીસીસ કરીને આગળની પોલિસી તથા કૃષિ ક્ષેત્રે સુધારો કરીને વિકાસ કરી શકશે.

Most Popular

To Top