આણંદ : આણંદ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકની બેદરકારીના કારણે ધડાકાભેર ડિવાઇડર સાથે કાર અથડાઇ હતી. જેમાં કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યુ હતું. જ્યારે આ અકસ્માત સમયે કારની હડફેટે ચડી ગયેલી રીક્ષા પણ પલટી જતાં તેના ચાલકને ઇજા પહોંચી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદના ભાલેજ ગામે રહેતા ઇલ્યાસમીયા ઠાકોરનો પુત્ર મન્સુર ઠાકોર રીક્ષા લઇ કેટલાક મુસાફરોને મુકવા મોગર ગામે ગયો હતો. જ્યાંથી તે મોડી રાત્રે રીક્ષા લઇને પરત ફરી રહ્યો હતો.
આ દરમિયાન નેશનલ હાઈવે પર ગામડી ઓવર બ્રિજ પર પુરપાટ ઝડપે ધસી આવેલી કાર સીધી જ ડિવાડર સાથે અથડાઇ હતી અને બાદમાં આ કાર મન્સુરની રીક્ષા સાથે અથડાતાં તે પલટી ગઈ હતી. આ અકસ્માતના પગલે મન્સુરની ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ આ અકસ્માતમાં કારમાં સવાર નવીનભાઇ ગોરધનભાઈ બારોટ (ઉ.વ.72)ને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદના નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટનું મોત નિપજ્યું
ગામડી ઓવરબ્રિજ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા નવીનભાઈ બારોટનું મૃત્યું નિપજ્યું હતું. તેઓ નડિયાદ રિમાન્ડ હોમના નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ હતાં. 72 વર્ષિય નવીનભાઈ બારોટ પોતાની કલરફુલ પહેરવેશ અને આકર્ષક અંદાજથી શહેરીજનો અને અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતાં. તેઓને કલરફુલ શર્ટ તેવા જ બૂટ, તેઓને રંગોથી એટલો લગાવ હતો કે તેમના ઘરના તમામ રૂમ તેમજ બાથરૂમ સુદ્ધા કલરફુલ રંગોથી રંગાયેલા હતાં.
108ના કર્મચારીએ ઘરેણાં – રોકડ પરત કર્યાં
નવીનભાઈ સોનું પહેરવાના ખૂબ જ શોખીન હતાં, ગામડી પાસે અકસ્માતના પગલે ટાઉન હોલની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. નવીનભાઈને ગંભીર ઇજા પહોંચી હતી. તેમણે કિંમતી જ્વેલરી પહેરી હતી અને સાથે રોકડ રૂ.62 હજાર ખીસ્સામાં હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. 108ની ટીમના ઇએમટી સુરેશ રાઠોડ અને પાયલોટ રમેશ જાદવ સહિતની ટીમે જ્વેલરી – રોકડ સુપ્રત કરી ઇમાનદારી દાખવી હતી.