સુરતઃ શહેરના વેલંજા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે, અહીં એક વૃદ્ધનું કરંટ લાગતા મોત નિપજ્યું છે. તેમનો મૃતદેહ ડીપી પર લટકતો મળ્યો હતો.
શહેરના વેલંજા ઉમરા ખાતે રહેતા વૃદ્ધ આજે સવારે મોટા વરાછા ખાતે આવેલા રાધે બંગ્લોઝ પાસે ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સાથે ચોંટી ગયા હતા. તેના લીધે તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે દોડી જઈ ડેડબોડી ઉતારી હતી.
ફાયર વિભાગના સૂત્રોએ કહ્યું કે, વેલંજા ઉમરા ચાર રસ્તા ખાતે આવેલા સુખનંદ રો હાઉસમાં રહેતા 75 વર્ષીય જીવરાજભાઈ શંભુભાઈ વેકરિયા આજે સવારે મોટા વરાછા રાધે રો હાઉસ પાસે આવ્યા હતા. અહીં તેઓ ઈલેક્ટ્રિકના ટ્રાન્સફોર્મર સાથે ચોંટી ગયા હતા. તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. વીજ સપ્લાય બંધ કરી તેમનો મૃતદેહ ટ્રાન્સફોર્મરથી અલગ કરાયો હતો.
વધુમાં ફાયર ઓફિસર ધવલ મોહિતે કહ્યું કે, મૃતકના પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમણે ગરમી લાગતી હોવાથી તેઓ સવારે ચાલવા માટે નીકળ્યા હતા. મોટા વરાછા ખાતે આવેલા રાધે બંગ્લોઝ પાસે ખુરશી નાંખી તેઓ બેઠાં હતાં ત્યારે ટ્રાન્સફોર્મરમાં ચોંટી જતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જીવરાજભાઈ લાંબા સમયથી બિમાર રહેતા હતા. તેમની છાતીમાં દુખાવો રહેતો હતો. તેમને આપઘાત કર્યો છે કે અકસ્માતે ટ્રાન્સફોર્મર સાથે ચોંટી જવાથી મોત થયું છે, તે જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.