આણંદ : આણંદ શહેરના બાલુપુરા ફળીયા પાસે નાસ્તો લેવા આવેલા વૃદ્ધને રખડતી ગાયે અચાનક આવી ગોથું મારતા ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ચાર દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ બુધવારે આખરે તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હવે ધીરે ધીરે જીવલેણ બની રહી છે. દિવસે દિવસે વધતા ટ્રાફિક સાથે રખડતાં પશુઓની સમસ્યા પણ વકરી રહી છે. શહેરના જુના રસ્તા પર ભાથીજી મંદિર પાસે બાલુપુરામાં રહેતા ચંદુભાઈ દેસાઇભાઈ ઠાકોર (ઉ.વ.61) 22મી મે,22ના રોજ બપોરે બાલુપુરા ફળીયા આગળ ઉભા હતાં. આ સમયે અચાનક ગાય ત્યાં આવી ચડી હતી અને ચંદુભાઈને શીંગડે ભેરવી ઉછાળી પછાડ્યાં હતાં. જેના કારણે તેમને છાતીમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ચાર દિવસની સઘન સારવારમાં ચંદુભાઈ ઠાકોરેનું મૃત્યું નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
આણંદ શહેરમાં ગાયના શિંગડે ચડેલા વૃદ્ધનું સારવારમાં મોત
By
Posted on