એક નાનકડો સાત વર્ષનો શિવાન રોજ પોતાના દાદાને સવાર સાંજ ભગવાનની પૂજા , દીવો ,અગરબત્તી અને પાઠ કરતાં જુએ,તેને પણ રોજ સવાર સાંજ ભગવાનની પૂજા કરવાનું મન થાય. દાદા પૂજા કરતા હોય ત્યારે તે બારણા પાછળ છુપાઈને દાદાને પૂજા કરતા જોયા કરે અને ક્યારેક દાદાનું ધ્યાન જાય તો તેઓ તેને પાસે બોલાવે અને બાજુમાં બેસાડે.દાદા આંખ બંધ કરીને પ્રાર્થના કરતા હોય ત્યારે શિવાન જુએ કે દાદાના હોઠ ફ્ફ્ડે છે પણ દાદા શું બોલે છે તે સમજાતું નથી.શિવાન દાદાને પૂછે કે ‘દાદા આ શું કરો છો?’ દાદા જવાબ આપતા, ‘દીકરા ભગવાનને પ્રાર્થના કરું છું.’
એક દિવસ સાંજે દાદાને ઘરે આવતાં મોડું થયું અને શિવાનને મોકો મળી ગયો. તેણે મમ્મીને પૂછીને સમય પર પૂજા શરૂ કરી દીધી.રોજ દાદાને જેમ જોતો તેમ તે પૂજા કરવા લાગ્યો.ધૂપ અને અગરબત્તી મમ્મીને બોલાવીને કરાવ્યા ,પછી ભગવાનને ફૂલ ચઢાવ્યા.પ્રસાદ ધરાવ્યો અને પછી પ્રાર્થના કરવા લાગ્યો.બરાબર તે જ સમયે દાદા આવ્યા અને આજે તેઓ બારણા પાસે છુપાઈને શિવાનને પ્રાર્થના કરતો જોઈ રહ્યા અને તેની પ્રાર્થના સાંભળવા લાગ્યા.
નાનકડા શિવાને આંખ બંધ કરી ભગવાનની પ્રાર્થના કરવાની શરૂઆત કરી, તેણે કહ્યું, ‘ભગવાન થેન્કયુ, આજે દાદાને મોડું થયું એટલે મને તમારી પૂજા કરવાનો મોકો મળ્યો.ભગવાનજી તમને હાથ જોડી માથું નમાવી પ્રણામ કરું છું. મારા દાદાને એકદમ સ્વસ્થ રાખજો, જેથી તેઓ તમારી પૂજા કરી શકે અને રોજ દુકાન પરથી આવતા મારા માટે ચોકલેટ લાવી શકે.ભગવાન તમે મારા દાદીના ઘૂંટણનો દુખાવો દૂર કરજો, જેથી મારાં દાદી મારા માટે લાડવો બનાવી શકે.દાદા-દાદીનું ધ્યાન રાખજો. તેમને સ્વસ્થ રાખજો, કારણ કે તેમને કંઈ થઇ જશે તો મને લાડ કોણ લડાવશે.ભગવાનજી, મારાં મમ્મી અને પપ્પાને સ્વસ્થ રાખજો, નહિ તો મારું ધ્યાન કોણ રાખશે.મારા મિત્રોને પણ ખુશ અને સ્વસ્થ રાખજો નહિ તો મારી સાથે કોણ રમશે.મારા ઘરના કૂતરા ટોમીને પણ સ્વસ્થ રાખજો જેથી તે અમારા ઘરને ચોરોથી બચાવી શકે.
આમ બધાનું ધ્યાન ભગવાનને રાખવાની પ્રાર્થના કરતાં કરતાં શિવાન બે ઘડી અટકે છે…દાદા વિચારે છે હવે નક્કી પોતાને માટે કૈંક માંગશે.આ બાજુ શિવાન આગળ પ્રાર્થનામાં કહે છે, ‘ભગવાન, મારી એક વાતનું ખાસ ધ્યાન રાખજો. તમે બધાનું ધ્યાન રાખજો, પરંતુ સૌથી પહેલાં તમે તમારું ધ્યાન રાખજો કારણ કે જો તમને કૈંક થઈ જશે તો અમારા બધાનું શું થશે…’ આવી સુંદર સહજ પ્રાર્થના સાંભળી દાદાજીની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે આટલી માસુમ પ્રાર્થના તેમણે કયારેય સાંભળી ન હતી.તેમણે શિવાનને ગળે લગાડી આશીર્વાદ આપ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.