SURAT

બાળકોની સારવાર માટે સુરત મનપાનો મહત્વનો નિર્ણય: દરેક ઝોનમાં આ સુવિધા ઉભી કરાશે

સુરત : કોરોના(Covid)ની બીજી લહેરમાં બેડ અને વેન્ટિલેટર(Ventilator)ની અછતના કારણે અનેક દર્દીઓ(Patients) મુસીબતમાં મુકાઇ ગયા હતા તેમજ આ ભયાવહ ચિત્ર જોયા બાદ શહેરમાં વેન્ટિલેટરની અછતની ગંભીરતા સમજાઇ હોય રાજ્ય સરકારે અમુક વેન્ટિલેટર ફાળવ્યા હતા. તો અમુક વેન્ટિલેટર દાનમાં પણ મળ્યા હતા અને અમુક મનપાએ વસાવ્યા હતા. હવે કોરોનાની લગભગ વિદાય થઇ ચુકી છે. ત્યારે હવે આ 102 વેન્ટિલેટરના સુચારૂ ઉપયોગની વ્યવસ્થા કરવા સ્મીમેર હોસ્પિટલની ખડી સમિતિની મેયર(Mayor) હેમાલી બોઘાવાલાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિચારણા કરાઇ હતી.

  • મનપા બાળકો માટેના પાંચ વેન્ટિલેટર ખરીદશે, દરેક ઝોનમાં બે-બે વેન્ટિલેટર વાન મુકવા વિચારણા
  • દાનમાં મળેલા અને વસાવેલા કુલ 102 વેન્ટિલેટર ત્રીજી લહેર હળવી રહેતા ઉપયોગમાં નહીં આવ્યા
  • હવે આ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલને લોન પર ફાળવવા, મસ્કતિમાં 10 વેન્ટિલેટર મુકવા ચર્ચા કરાઈ
  • કોરોનાના કારણે શહેરમાં વેન્ટિલેટરની અછત દુર થઇ ગઇ

આ ઉપરાંત સુરત મનપાSurat Municipal Corporation) સંચાલિત સ્મીમેર હોસ્પિટલ(Smimer Hospital)માં પિડિયાટ્રીક વિભાગને અદ્યતન કરવા માટે બાળકો માટેના પાંચ વેન્ટિલેટર ખરીદવા માટેની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. પડી રહેલા વેન્ટિલેટરનો ઉપયોગ શરૂ કરવા માટે શું વ્યવસ્થા થઇ શકે તેવી ચર્ચા એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગમાં કરાઇ હતી તેમજ આ વેન્ટિલેટર સપ્લાય કરનારી એજન્સી સાથે વાટાઘાટ કરતા એજન્સી પાસે વેન્ટિલેટરનો ગેરંટી પીરીયડ વધારવા માટે માંગણી કરવા ચર્ચા કરવામાં આવી હતી.

હોસ્પિટલને વેન્ટિલેટર લોન પર આપવા ચર્ચા
ચર્ચા દરમિયાન એવી પણ વાત મુકવામાં આવી હતી કે કોટ વિસ્તારના લોકો માટે આર્શિવાદ રૂપ એવી મસ્કતિ હોસ્પિટલમાં દસ વેન્ટિલેટર ફાળવવા તેમજ સિવિલ હોસ્પિટલને અમુક વેન્ટિલેટર લોન પર આપવા આ ઉપરાંત મનપા દ્વારા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર છે. ત્યાં દરેક હોસ્પિટલમાં બે વેન્ટિલેટર ફાળવવા અથવા તો દરેક ઝોનમાં બે વેન્ટિલેટર વાન કાર્યરત કરવા પર પણ વિચારણા કરવામાં આવી હતી.

ખાનગી હોસ્પિટલોને લોન પર વેન્ટિલેટર આપી શકાય કે નહીં શાસકોની વિચારણા
કોરોનાકાળની અનેક કરૂણાંતિકાઓ વચ્ચે એક પોઝિટિવ વાત એ છે કે શહેરમાં વેન્ટિલેટરની અછત હવે એકદમ ઓછી થઇ ગઇ છે. મનપા પાસે જ હાલ વધારાના 102 વેન્ટિલેટર છે. જેમાંથી મસ્કતિ, સ્મીમેર અને દરેક ઝોનને વેન્ટિલેટર ફાળવ્યા બાદ જે વેન્ટિલેટર વધે તેમાંથી ખાનગી હોસ્પિટલોને લોન પર ફાળવણી થઇ શકે કે નહી તે અંગે પણ શાસકોએ વિચારણા કરવામાં આવી છે.

Most Popular

To Top