Columns

એક નિબંધ

એક દિવસ ગુજરાતીના ટીચરે વર્ગમાં બધાને ‘એક ઘર એવું’વિષય પર નિબંધ લખવા કહ્યું અને નિબંધ લખવા માટે એક કલાકનો સમય આપ્યો.એક કલાક બાદ બધાએ નિબંધ લખીને ટીચરને આપ્યો.ટીચર એક પછી એક નિબંધ વાંચવા લાગ્યા…કોઈકે પોતાના ઘરની વાત કરી હતી …કોઈકે સપનાના ઘરની …કોઈકે મોટા આલીશાન ઘરની …કોઈકે મિત્રના ઘરની .. ૧૨ વર્ષના દિયાનનો નિબંધ વાંચીને ટીચરની આંખમાં આંસુ આવી ગયા, પણ ટીચર ત્યારે કંઈ બોલ્યા નહિ.
તેમણે કહ્યું, ‘બધાએ સારો પ્રયત્ન કર્યો છે…આવતી કાલે આપણે બીજા વિષય પર નિબંધ લખીશું.’

સાંજે ટીચર દિયાનનું એડ્રેસ લઈને નિબંધ સાથે તેના ઘરે પહોંચ્યા.ઘર સરસ અને મોટું હતું….ટીચરે જોયું દિયાને નિબંધમાં આ ઘર વિષે કંઈ લખ્યું ન હતું…ટીચરે ઘરે જઈને માતા પિતાને મળ્યા અને તેમને બેસાડીને તેમના દીકરાએ લખેલો નિબંધ વાંચવા કહ્યું. ‘એક એવું ઘર’આ નિબંધમાં તેમના દીકરા દિયાને લખ્યું હતું…. ‘મને એક એવું ઘર જોઈએ છે, જ્યાં મમ્મી અને પપ્પાના નાની નાની વાત પર ઝઘડા થતાં ન હોય …જ્યાં પપ્પા ગુસ્સો ન કરે …જ્યાં મમ્મી ન રડે …જ્યાં કયારેય કોઈ ગુસ્સામાં કપ ન તોડે …મને મારે ત્યાં કામ કરતાં માસી જેવું ઘર જોઈએ, જ્યાં મારો દોસ્ત રાજુ રહે છે તેના મમ્મી અને પપ્પા બંને કામ કરે છે…

ઝઘડા નહિ …રાજુ પણ કામમાં મદદ કરે છે અને મારી સાથે રમે છે…જ્યાં માસી રસોઈ બનાવે અને રાજુના પપ્પા ચા બનાવે છે…તેમનું ઘર નાનું છે, પણ ત્યાં કોઈ ઝઘડા કરતું નથી.તેમના ઘરે ચાર જ કપ છે એટલે કોઈ ગુસ્સામાં કપ તોડતું નથી.રાજુની પાસે નવાં રમકડાં નથી પણ તે ખુશ છે.મારી પાસે ઘણાં રમકડાં છે, પણ મમ્મી-પપ્પા ઝઘડા કરે તો મને કંઈ ગમતું નથી.’નિબંધ તો હજી ઘણો લાંબો હતો, પણ હવે આગળ તેઓ વાંચી શક્યા નહિ અને મમ્મી અને પપ્પા બંને રડી પડ્યાં.તેમને તેમની ભૂલ સમજાઈ, પણ શું બોલવું અને શું કરવું તે સમજાયું નહિ.

ટીચર થોડી વાર રહીને બોલ્યા, ‘હું દિયાનની ટીચર છું. મને તમારા સંબંધો વચ્ચે બોલવાનો કોઈ હક નથી.પણ તમારા દીકરાની મનની પરિસ્થિતિ મારે તમને જણાવવી જોઈએ અને મારી તમને વિનંતી છે આ વિષે દીયાનને કંઈ જ કહેતા નહિ અને તમે જાતે સમજીને એક એવું ઘર બનાવજો, જે તમારા દીકરાને ગમે…વધુ તો હું કંઈ કહી શકું તેમ નથી.’ટીચરે મોર્ડન માતાપિતાને સાચી વાત સમજાવી.

Most Popular

To Top