Gujarat

ગુજરાતમાં ગજબ થયું!, 600ની વસતી ધરાવતું આખે આખું ગામ વેચાઈ ગયું!

ગાંધીનગર: ગુજરાતમાં એક વિચિત્ર ઘટના બની છે. રાજ્યની રાજધાની નજીક આવેલું એક આખે આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે. ગામ વેચાયું હોવાની વાત બહાર આવતા ચકચાર મચી ગઈ છે. કાવતરાં હેઠળ ગામ વેચાયું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

  • ગાંધીનગર નજીક દહેગામ તાલુકાનું જૂનું પહાડિયા ગામ વેચાઈ ગયું
  • ગ્રામજનોએ બાપ-દાદાની જમીન ખાલી કરાવવાની નોબત આવી
  • અધિકારીઓના મેળાંપીપણામાં ગામની જમીન વેચાઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

ગાંધીનગરમાં દહેગામ તાલુકામાં આવેલું અને અંદાજે 600 લોકોની વસતી ધરાવતું જુના પહાડિયા ગામ વેચાઈ ગયું છે. સુજાના મુવાડા ગ્રુપ ગ્રામ પંચાયત આવતા જૂના પહાડિયા ગામને બારોબાર વેચી મરાયાનું કાવતરું થયું છે. જૂના પહાડિયા ગામના બ્લોક સરવે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે.ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી.

આ સરવે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે.

તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ ખોટા નકશા રજૂ કરી અધિકારીઓની મિલીભગતમાં ગામ વેચવાનો આ દસ્તાવેજ થયો છે.

આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ ગ્રામજનો માગ કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને વિવાદમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top