નવી દિલ્હી, તા. ૩: ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાએ ઘણુ બિહામણુ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વકરેલા રોગચાળાની સાથે તેને લગતી ડરાવી દે તેવી અને હચમચાવી નાખે તેવી વધુને વધુ તસવીરો બહાર આવી રહી છે.
સ્મશાનગૃહો અને કબ્રસ્તાનોમાં મૃતદેહોના ઢગલાઓ વચ્ચે એક કબ્રસ્તાનમાં જોવા મળ્યું હતું કે પોતાને ચેપ લાગવાના ભયે કબ્રસ્તાનના કર્મચારીઓ મૃતદેહને હાથ લગાડવો ન પડે તે માટે મૃતદેહોને ડિગર મશીન વડે કબરોમાં નાખી રહ્યા છે. ડીગરથી કબરમાં ઠલવાતા મૃતદેહનો એક વીડિયો ઘણો વાયરલ થયો હતો. જો કે એ કયા ગામનો છે એ સ્પષ્ટ નથી. બીજી બાજુ ઉત્તર પ્રદેશની એક હોસ્પિટલમાં ઑક્સિજનના અભાવે અને તબીબી કર્મચારીઓની હાજરીના અભાવે એક કોરોનાગ્રસ્ત મહિલાની બે પુત્રીઓમાંની એક પોતાની માતાને મોં વડે શ્વસન કરાવી રહેલી જોવામાં આવી હતી. તબીબોએ કહ્યું કે એ મહિલાને મૃત હાલતમાં લવાઇ હતી. આવા તો અનેક કરૂણ દ્રશ્યો બહાર આવી રહ્યા છે જ્યારે ભારતમાં કોવિડનો રોગચાળો થંભવાનું નામ નથી લેતો અને રોજે રોજ મોટા પ્રમાણમાં કેસો બહાર આવી રહ્યા છે.
ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાનું આ બીજું મોજું વિશ્વનું સૌથી ખરાબ બીજું મોજું પુરવાર થયું છે જ્યાં છેલ્લા કેટલાક દિવસથી રોજ ત્રણ લાખ કરતા વધુ કેસ બહાર આવી રહ્યા છે અને વચ્ચે એક દિવસ તો ૨૪ કલાકમાં ચાર લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા.