આજે દુનિયામાં ચારે તરફ યુધ્ધનું વાતાવરણ જામ્યું છે. યુક્રેન-રશિયા, ઈઝરાયલ-ઈરાન, પાકિસ્તાન-ભારત, ચીન-તિબેટ એક બીજા સાથે લડાઈ મોરચે ઊભા છે. આજે આપણે એકવીસમી સદીના સુસંસ્કૃત માણસો દયા, પ્રેમ, માનવતા ભૂલીને સતત એકબીજા દેશ સાથે લડાઈમાં મંડયા છીએ. દરેક દેશની નેતાગીરી જ્યારે બ્રિકસ, શાર્ક, G-7 તથા બીજાં સંગઠનો ભેગાં થાય છે ત્યારે શું એવું નક્કી ન કરી શકે કે કોઈ પણ દેશ એકબીજા સાથે યુધ્ધ લડાઈ ન કરે. દરેક દેશ પોતાની સીમામાં રહે. કોઈ પણ દેશ એકબીજાની સીમારેખામાં ઘુસણખોરી ન કરે કે જમીન પ્રાંત હડપવાની કોશિશ ન કરે.
જે દેશ આવું કરશે તે દેશની સાથે કોઈ પણ દેશ રાજદ્વારી સંબંધ, વેપાર-વિનિમય કે બીજા કોઈ વ્યવહાર કરશે નહીં તેમજ તે દેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે. આમ કરવાથી કોઈ પણ દેશને શસ્ત્ર સરંજામ બનાવવાની કે રાખવાની કે તે બાબત વિચારવાની પણ જરૂરત પડશે નહીં. જેથી અત્યારે દરેક દેશ સંરક્ષણ પાછળ જે જંગી ખર્ચ કરે છે તે બચી જશે, જેથી કરવેરાનું ભારણ ઘટી જશે. બીજું આ પૈસા ગરીબ વર્ગના કલ્યાણ માટે વાપરી તેમની ગરીબી દૂર કરી શકાશે. દરેક ઉચ્ચ રાજકારણી નેતાએ સમજવું પડશે કે બીજા દેશનો નાગરિક એ પણ પોતાના દેશના નાગરિક જેવો જ.
પાંડેસરા, સુરત – જીતેન્દ્ર કાપડિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.