Charchapatra

પ્રાચીન ઈમારત એક ઓળખ

દરેક ગામમાં કે શહેરમાં એકાદ ઐતિહાસિક ઈમારત તો હોય જ છે અને એના વડે એ ગામ કે શહેર ઓળખાતું હોય છે. આવાં સ્થાનોની માવજત કરીને, થોડું રીપેરીંગ કામ કરીને કે રંગરોગાન કરીને સુંદર સુશોભિત કરવાને બદલે તેને તોડી પાડવામાં આવે છે ત્યારે લોકોને લાગે છે કે કાંઈક છૂટી ગયું છે. વર્ષો જૂની ઈમારતો હજુ આજે પણ આપણને જોવા મળે છે. એની સ્થાપત્યકલાનો નમૂનો બતાવે છે. આ ઈમારત કેટલાં વર્ષો જૂની હશે. એની કારીગરી અને બારીક કોતરકામ ખરેખર ઊડીને આંખે વળગે તેવું હોય છે. તો એને સાચવવાને બદલે તોડી પાડીએ યોગ્ય નથી.

ગામની કે શહેરની આવી ઈમારત તો ધરોહર ગણાય. પ્રાચીન ઈમારતો ઘણી ઓછી જોવા મળે છે અને છે તો તે બિસ્માર હાલતમાં છે. આથી હેરીટેઝ ઈમારતોનું પુન:નિર્માણ થવું જોઈએ અને એની જાળવણી પણ થવી જોઈએ. આજે આપણી આંખ સામે એક સમયનું ખંડેર ગોપીતળાવ આજે કેટલું સરસ ફરવાનું સ્થળ બન્યું છે. એમાં રહેલી વાવ લોકોને ખબર જ નહોતી. તે આજે સરસ રીતે જોવા મળે છે. આ કેમ બન્યું? આપણે જાળવ્યું તો ને? આવાં તો કેટલાંય સ્થાનો પડ્યાં છે, જે આપણી પાસે માવજત માંગી લે તેવાં છે. આપણે આ બાબતમાં વિચારવું જ રહ્યું.
સુરત -શ્રીમતી શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top