નવી દિલ્હી: “ભલે છીન લો મુઝસે મેરી જવાની, મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન., વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની…” સ્વ. જગજીત સિંગની આ ગઝલ સાંભળો ત્યારે બાળપણના દિવસોની યાદોમાં સરી જવાય છે. ગઝલના શબ્દો સાંભળતી વખતે દરેક વ્યક્તિ મનોમન વિચારે છે કે કાશ ફરી એકવાર નાના બાળક બની જવાય. પરંતુ એવું થઈ શકતું નથી. કારણ કે વીતેલી ક્ષણ, વીતેલા દિવસો ફરી આવતા નથી. હાથમાંથી રેતી સરકે તેમ સમય સરકે છે અને તે ફરી પાછો ક્યારેય આવતો નથી. પરંતુ જો તમને કોઈ એમ કહે કે તમે ઉંમર ઘટાડી શકો છો તો તમને માનશો? વિશ્વાસ નહીં થાય તેવી ઘટના અમેરિકામાં બની છે. અહીં એક વ્યક્તિએ પોતાની ઉંમરમાં 5 વર્ષનો ધરખમ ઘટાડો કર્યો છે. હા, એ અલગ વાત છે કે ઉંમર ઘટાડવા માટે આ શખ્સે કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા છે.
આ વાત છે કેલિફોર્નિયાની કર્નલકો બાયોટેક કંપનીના સીઈઓ બ્રાયન જોન્સન (bryan johnson) છે. જોન્સન હાલ 45 વર્ષના છે. જ્હોન્સન તેના શરીરની ઉંમર 18 વર્ષના છોકરાની ઉંમર સુધી ઘટાડવા માંગે છે. ઉંમર ઘટાડવા માટે જોન્સન કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. ખરેખર જોન્સન મનુષ્યની શારીરિક ઉંમર ઘટાડવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે તેઓ પોતાના શરીર પર જ પ્રયોગ કરી રહ્યાં છે અને તેમનો દાવો છે કે આ પ્રોજેક્ટ પર કામ કરવા દરમિયાન તેમના શરીરની ઉંમર 5 વર્ષ અને 1 મહિનાનો ઘટાડો કરવામાં તેમને સફળતા મળી છે.
શરીરની ઉંમર ઘટાડવાના પ્રોજેક્ટનું નામ બ્લુપ્રિન્ટ
શરીરની ઉંમર ઘટાડવાના આ પ્રોજેક્ટનું નામ ‘પ્રોજેક્ટ બ્લુપ્રિન્ટ’ છે. આ પ્રોજેક્ટ પર કામ કરતી વેળા જોન્સનના શરીર પર પ્રયોગ કરવામાં આવે છે ત્યારે 30 ડોક્ટર્સ અને મેડિકલ એક્સપર્ટ્સની ટીમ સતત તેમની પર નજર છે. આ ટીમનું કામ જોન્સનના શરીરમાં થતા દરેક નાનામાં નાના ફેરફાર પર ધ્યાન આપવાનું છે. આ ટીમ જોન્સનના શરીરના અંગોની ઉંમર ઘટાડવામાં મદદ કરે છે.
જ્હોન્સને રોજ કડક રૂટિન ફોલો કરવું પડે છે
આ પ્રોજેક્ટ હેઠળ જોન્સને કડક રૂટિનનું પાલન કરવું પડે છે. ડેઈલી રૂટિન એટલું કડક છે કે જોન્સન ઈચ્છે તો પણ માંસાહારી ખોરાક ખાઈ શકતા નથી. જ્હોન્સન રોજ ખોરાકમાં 1977 કેલરી લે છે. એક કલાક વર્કઆઉટ કરે છે. દરરોજ નિયમિત સમયે સૂઈ જાય છે અને જોન્સનને સવારે 5 વાગ્યે જાગી જાય છે.
જ્હોન્સનના શરીરનું રોજ મોનિટરીંગ થાય છે
જ્હોન્સન સવારે લગભગ બે ડઝન અલગ-અલગ સપ્લિમેન્ટ્સ લે છે. ક્રિએટીનની સાથે લીલા રસનું પણ સેવન કરે છે. દરરોજ જ્હોન્સનના શરીર પર ઘણા પરીક્ષણો કરવામાં આવે છે. જૉન્સનનું વજન, શરીરની ચરબી, બ્લડ ગ્લુકોઝ લેવલ અને હાર્ટ રેટ પણ દરરોજ ચેક કરવામાં આવે છે. તેની સાથે જ જોન્સનનો બ્લડ ટેસ્ટ, અલ્ટ્રાસાઉન્ડ, એમઆરઆઈ પણ રોજ કરવામાં આવે છે.
જ્હોન્સનના ડોક્ટરનો દાવો, મનુષ્ય શરીરના અંગોની ઉંમર ઘટાડી શકે
જ્હોન્સનની મેડિકલ ટીમનું નેતૃત્વ ઓલિવર ઝોલમેન નામના 29 વર્ષીય ફિઝિશિયન કરી રહ્યા છે. ઓલિવરનો ધ્યેય એ સાબિત કરવાનો છે કે મનુષ્ય તેમના શરીરના અંગોની ઉંમર 25 ટકા સુધી ઘટાડી શકે છે. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી, જે 45 વર્ષનો હોય પરંતુ તેના અંગો 35 વર્ષના વ્યક્તિની જેમ કામ કરે. ઓલિવરે વધુમાં કહ્યું કે જો આપણે સાબિત કરીએ કે બ્રાયનમાં ફેરફારો થયા છે તો તે વિશ્વ માટે મોટી શોધ બનશે.