Entertainment

પંકજ કપૂર જેવા એકટરને દિકરા શાહીદને કારણે ફિલ્મ મળે!

પંકજ કપૂર હવે ઓછી ફિલ્મોમાં કામ કરે છે. આપણી હિન્દી ફિલ્મો ચરિત્ર અભિનેતા માટે સતત પાત્રો શોધી શકતી નથી. નીતા ગુપ્તાને એક સફળતા મળી તો વળી થોડી ફિલ્મો મળી રહી છે. પણ એવું બધા માટે નથી. એ બધામાં એક પંકજ કપૂર પણ છે. કોઇને નવાઇ લાગશે કે 1982-83થી તેણે કારકિર્દી શરૂ કરી છે અને ‘આધારશીલા’, ‘જાને ભી દો યારો’, ‘મંડી’, ‘ખંડહર’ વગેરેમાં સરસ ભૂમિકા કરવા છતાં મનોરંજક- વ્યવસાયી ફિલ્મોમાં તેઓ ઓમ પુરી યા મનોજ બાજપેયી જેવું સ્થાન ન જ બતાવી શકયા. ‘રોજા’, ‘મકબૂલ’ વગેરે ફિલ્મોમાં જરૂર તે હતા પણ તે કાંઇ રોહિત શેટ્ટી, રાજકુમાર હીરાની, સાજિત નડિયાદવાલા જેવાની ફિલ્મ નહોતી. હા, તેમને કેટલીક સારી ટીવી શ્રેણી જરૂર મળીી અને તેમાં ‘કરમચંદ’, ‘ફટીચર’, ‘જબાર સંભાલકે2, ‘ઓફીસ ઓફીસ’ને તો ખૂબ લોકપ્રિયતા ય મળી હત પણ છતાં તેઓ લોકપ્રિય ફિલ્મોના ભાગ ન બની શકયા. આ સ્થિતિ આજે પણ એવી જ છે.

પુત્ર શાહીદ કપૂર સાથેની ‘જર્સી, રજૂ થઇ છે જેમાં પંકજ કપૂરે શાહીદના (ક્રિકેટ) કોચની ભૂમિકા ભજવી છે. પંકજ કપૂર જેવાને ફિલ્મોમાં કામ માટે દિકરાને ફિલ્મ મળે એવી રાહ જોવી પડે એ દુ:ખદ છે પરંતુ આલિયા ભટ્ટ- શાહીદ કપૂરની ‘શાનદાર’માં પંકજ કપૂર હતા. શાહીદને લઇને જ તેમણે ‘મૌસમ’ ફિલ્મ બનાવેલી. પંકજ કપૂરે દિગ્દર્શક બનવું હતું તો  દિકરાની લોકપ્રિયતાનો આધાર લેવો પડયો તો.પણ ફિલ્મનું જગત એવું જ છે. પંકજ કપૂરે દિગ્દર્શક તરીકે બે ટીવી શ્રેણી ‘મોહનદાસ બીએએલએલબી’ અને ‘દૃષ્ટાંત’ બનાવી પણ ફિલ્મ તો એક જ બનાવી શકયા. તમે કહી શકો કે ચાર દાયકા પછી પણ તેઓ સ્ટ્રગલર જ છે.

ગયા વર્ષે તેઓ ‘જે એલ 50’ નામની ટીવી શ્રેણીમાં આવ્યા હતા. જેમાં અભય દેઓલ, રિતીકા આનંદ છે.  આ સિવાય ‘લોસ્ટ’ નામની ફિલ્મ છે જેમાં પંકજ કપૂરસાથે યામી ગૌતમ, રાહુલ ખન્ના વગેરે છે. હજુ એક ફિલ્મ તે ‘સહેર’ જેમાં પંકજ કપૂર જ કેન્દ્રમાં છે અને સાથે  મેઘના મલિક, રાજ ઝૂત્સી છે. તમે કહી શકો કે તેઓ હિન્દી ફિલ્મના અનુપમ ખેર યા બોમન ઇરાની બની શકયા નથી. સારો અભિનય સ્વયં લોકપ્રિય ફિલ્મમાં કામ કરવાની ગેરંટી બની જતોનથી. ટીવી સિરીયલો, શોર્ટફિલ્મ અને ફિલ્મ મળી તેમણે અભિનય કર્યો હોય એવા પાત્રો 71 જ થાય છે.

પરંતુ પંકજ કપૂરે પોતાનો આગ્રહ જાળવી રાખ્યો છે. શાહીદ તેમના સપોર્ટમાં રહે છે. બાકી શાહીદની મમ્મી નિલીમા આઝીમને પંકજે છૂટાછેડા આપ્યા ત્યારે શાહીદ હજુ ચાર વર્ષનો પણ થયો નહતો. સારું કે પંકજ કપૂરના સુપ્રિયા પાઠક સાથેના લગ્ન ટકી ગયા અને હવે તો સુપ્રિયા ઘણી ફિલ્મોમાં પણ દેખાય છે. 29મે 1954માં જન્મેલા પંકજ કપૂરે નિલીમા ફકત 16 વર્ષની હતી અને પોતે 21 વર્ષના ત્યારે લગ્ન કરેલા. દીના પાઠકની દિકરી સુપ્રિયા સાથે 1988માં પરણ્યા અને તેઓ બંને હવે સના નામની દિકરી અને રુહાન નામના દિકરાના માતા-પિતા છે. પંકજ કપૂર ‘રાખ’, ‘એક ડોકટર કી મૌત’, ‘મકબૂલ’, ‘રોજા’ માટે યાદ આવે ત્યારે થાય કે હજુ તેમને કેમ વધુ કામ ન મળ્યું?

Most Popular

To Top