SURAT

એક વર્ષથી ફૂટપાથ પર જીવન ગુજારતા 82 વર્ષીય વૃદ્ધાને સુરત પોલીસે આશ્રમમાં આશરો અપાવ્યો

સુરત: વરસતા વરસાદ વચ્ચે સુરત પોલીસની (SuratPolice) સરાહનીય કામગીરી સામે આવી છે. ઉધના આશાનગર સોસાયટીમાં જર્જરિત મકાનને કારણે એક વર્ષથી સોસાયટીના ફૂટપાથ ઉપર રહેતા એક લાચાર વૃદ્ધાને ઉધના પોલીસે સુરક્ષિત રીતે ડીંડોલીના ઓલ્ડ એજ હોમમાં આશરો અપાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે ત્રીજા પ્રયાસે માજી આશ્રમમાં જવા રાજી થયા હતા. સોસાયટીના લોકો બે ટાઇમનું ભોજન આપતા હતા. ચોમાસામાં વરસતા વરસાદમાં દયનીય પરિસ્થિતિમાં વૃદ્ધા ફુટપાથ પર રહેતા હતા. ઉધના પીઆઇ અને તેમની ટીમની પ્રશંસનીય કામગીરી ને લઈ 82 વર્ષના માજી ને એક સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં સફળતા મળી છે.

ધર્મેશ ગામીએ વધુમાં જણાવ્યું હતું કે એક માજી દયનીય પરિસ્થિતિમાં ફૂટપાથ પર દિવસ ગુજારી રહ્યા હોવાનો કોલ મિત્ર કલ્પેશ રાજપુત તરફથી આવ્યો હતો. કોલ મળતા અમારી ટીમ દોડી ગઈ હતી. વૃદ્ધા ઉધના આશાનગર-1 ની ફૂટપાથ પર રહેતા હતા. તપાસ કરતા ખબર પડી કે આ માજીનું સોસાયટીમાં જ એક મોટું મકાન છે અને 10×8 ની એક નાનકડી રૂમમાં જ તેઓ રહેતા હતા. જોકે મકાન જર્જરિત થઈ જતા એક વર્ષથી માજી સોસાયટીના ફૂટપાથ પર દિવસો પસાર કરી રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે માજી હરતા-ફરતા હોવાથી પેશાબ-પાણી માટે આજુબાજુ સુરક્ષિત જગ્યા પર જતાં હતાં. જોકે લાચારીને કારણે સોસાયટીવાસીઓ જે ખવડાવે એ ખાઈને દિવસ કાઢતા હતા. એમની પાસે જે કાંઈ પણ સામાન હતો એ લગભગ ભંગાર સમાન જ હતો. બીજી બાજુ ચોમાસાને લઈ એમની હાલત કફોડી થઈ હતી. આસપાસના લોકોને દયા આવતી હોવા છતાં માજી તે ફૂટપાથ પરથી અન્યત્ર ખસવા તૈયાર થતા નહોતા. માજી કોઈની વાત માનતા ન હતા.

ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે એક વર્ષથી આવી દયનીય હાલતમાં જીવતા માજીને બે વાર અમારી સંસ્થા દ્વારા સમજાવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તે માનતા નહોતા. જોકે ત્રીજી વાર ઉધના પીઆઇની મદદ લઇ પ્રયાસ કરાતા માજી આશ્રમમાં જવા તૈયાર થઈ ગયા હતા. ઉધના પીસીઆર વાન અને ઓલ્ડ એજ હોમની ગાડી બંન્ને માજીને લેવા ગઈ હતી. પોલીસે જાતે માજીને આશ્રમમાં નવો આશરો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વધુમાં ગામીએ જણાવ્યું હતું કે તપાસ કરતા ખબર પડી કે માજીના નજીકના કોઈ સંબંધીઓ નથી અને દુરના પૌત્ર છે એટલું જ નહીં પણ આ સંબંધીઓ પણ દૂર દૂર રહે છે. સંસ્થા દ્વારા માજીના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે.

Most Popular

To Top