SURAT

સુરત: 8 વર્ષની બાળકીની શ્વાસનળીમાં આંબલીનો ઠળિયો ફુલી ગયો, બહાર કાઢવા સર્જરી કરવી પડી

સુરત: ઘણી વખત રમત રમતમાં નાના બાળકો મોટી મુશ્કેલીને નોંતરું દેતા હોય છે. આવો જ કિસ્સો ડાંગમાં બન્યો હતો. ડાંગની એક 8 વર્ષની બાળકી આંબલીનો ઠળિયો ગળી ગઈ હતી. 20 દિવસ સુધી તે ઠળિયો બાળકીની શ્વાસનળીમાં ફસાઈ રહ્યો હતો. દરમિયાન તે ફૂલી જતા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. બાળકીને તકલીફમાંથી રાહત આપવા સુરત સિવિલમાં સર્જરી કરવી પડી હતી.

મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના ગામમાં મહેશભાઈ ચૌધરી પરિવાર સાથે રહે છે. પરિવારમાં આઠ વર્ષની દીકરી પ્રિયલ છે. 20 દિવસ પહેલાં પ્રિયલ આંબલી ખાઈ રહી હતી ત્યારે એક ઠળિયો તેની શ્વાસ નળીમાં જઈ ફસાઈ ગયો હતો. થોડા સમય બાદ પ્રિયલને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી, જેથી તેને આવા ગામ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

પ્રાથમિક સારવાર બાદ પ્રિયલને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તપાસ કરતા તેની શ્વાસ નળીમાં આંબલીનો ઠળિયો ફસાયો હોવાની જાણ થઈ હતી. તેથી તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરત સિવિલ હોસ્પિટલ પહોંચવા સુધીમાં 20 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો હતો.

ફુલી ગયેલા ઠળિયાને બહાર કાઢવા તબીબોએ સર્જરી કરવી પડી
પ્રિયલની શ્વાસનળીમાં 20 દિવસ સુધી ઠળિયો ફસાઈ જવાના કારણે એ ફૂલીને મોટો થઈ ગયો હતો, ખેંચીને બહાર કાઢવો મુશ્કેલ હતો. સુરત સિવિલ હોસ્પિટલમાં એનટી વિભાગના તબીબો દ્વારા અડધાથી વધુ કલાકની સર્જરી કરીને આ ઠળિયાના ટુકડા કરી બહાર કાઢવામાં સફળતા મળી હતી. હાલ આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂકી છે અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાહુલ પટેલે કહ્યું કે શ્વાસનળીમાં કચૂકો એવી રીતે ચીપકી ગયો હતો કે એને ખેંચીને બહાર કાઢવો સરળ ન હતો, જેથી બ્રોન્કોસ્કોપી સર્જરી કરી એના ટુકડા કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.

Most Popular

To Top