સુરત(Surat): શહેરના રૂદરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં 4 વર્ષની માસૂમ બાળકી પર રેપ થયો છે. રેપ કરનાર પડોશમાં રહેતો 11 વર્ષનો કિશોર હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બાળકી રમતી હતી ત્યારે ઘરમાં લઈ જઈ કિશોરે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ ગુપ્તાંગ પર ચપ્પલ મારી બાળકીને ધમકાવી હતી.
- રૂદરપુરા પોલીસ લાઈન પાસેની ઘટના
- બપોરે સાથે રમતો કિશોર અચાનક બાળકીને ઘરે લઈ ગયો
- દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના ગુપ્તાંગ પર ચપ્પલ મારી ધમકાવી
- બાળકીને ગુપ્તાંગમાં દુ:ખાવો થતાં તમામ હકીકત બહાર આવી
- પરિવારજનોએ અઠવા પોલીસ મથકમાં કિશોર વિરુદ્ધ ફરિયાદ આપી
આ ઘટના તા. 29 માર્ચના રોજ બપોરના સમયે બની હતી. રૂદરપુરા પોલીસ લાઈન પાસે રહેતા 11 વર્ષના કિશોરે ઘર પાસે રહેતી અને સાથે રમતી 4 વર્ષની બાળકી પર દાનત બગાડી હતી. બંને સાથે રમતા હતા ત્યારે અચાનક જ કિશોર બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો. બાળકીના કપડાં ઉતારી અડપલાં કર્યા હતા. દુષ્કર્મ કર્યા બાદ ચપ્પલથી બાળકીના ગુપ્તાંગ પર માર માર્યો હતો અને ધમકાવી હતી. મારવાના લીધે બાળકીને ગુપ્તાંગ પર ઇજા થઈ હતી.
કિશોરની ધમકીથી ગભરાયેલી બાળકીએ કોઈને કશું કહ્યું નહોતું, પરંતુ બીજા દિવસે તેણીના ગુપ્તાંગમાં દુ:ખાવો ઉપડતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તપાસ કર્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું કહેતા પરિવારજનો ચોંકી ગયા હતા.
પૂછપરછ કરતા બાળકીએ પડોશી કિશોરની કરતૂત જણાવી હતી. પરિવારજનો બાળકીને સિવિલ લઈ ગયા હતા. સારવાર બાદ બાળકીના પરિવારે આ મામલે અઠવા પોલીસ મથકમાં કિશોર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે 11 વર્ષીય કિશોર મોબાઈલનો ઉપયોગ કરતો હતો. તે અશ્લીલ વીડિયો જોતો હતો કે તે હજુ બહાર આવ્યું નથી. જોકે, કિશોર મોબાઈલ ગેમ રમતો હતો. પોલીસે કિશોરની પૂછપરછ શરૂ કરી છે.