Business

જનતા પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો

નવી દિલ્હી: મોંઘવારીએ પ્રજાને વધુ એક માર માર્યો છે. હવે અમૂલ (Amul) દૂધના (Milk) ભાવમાં (Price) વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. નવા દર આવતીકાલે સવારથી (બુધવાર સવારથી) લાગુ થશે. આ ભાવવધારો ગુજરાત, દિલ્હી, NCR, મુંબઈ અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યો છે. કંપનીએ દૂધની ઓપરેટિંગ કોસ્ટ અને પ્રોડક્શન કોસ્ટમાં થયેલા વધારાને કારણે કિંમતમાં વધારાનું કારણ આપ્યું છે. વધેલી કિંમતો બુધવારથી લાગુ થશે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 17 ઓગસ્ટથી અમૂલનું દૂધ મોંઘું થશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે 500 ml અમૂલ ગોલ્ડની કિંમત વધીને 31 રૂપિયા થશે. હવે ગ્રાહકોને અમૂલ તાઝાના 500 મિલી પેકેટ રૂ. 25માં અને અમૂલ શક્તિનું 500 એમએલનું પેકેટ રૂ. 28માં મળશે.

અમૂલ ગોલ્ડ- 31 રૂપિયામાં 500 મિલી
અમૂલ તાઝા – રૂ. 25માં 500 મિલી
અમૂલ શક્તિ- રૂ.28માં 500 મિલી.

મધર ડેરીનું દૂધ કેટલું મળશે
મધર ડેરીની ફુલ ક્રીમ આજે 59 રૂપિયા પ્રતિ લીટરમાં મળશે. આવતીકાલથી તે ગ્રાહકોને 2 રૂપિયાના વધારા સાથે 61 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ થશે. તે જ સમયે, ટોન્ડ દૂધ 51 રૂપિયા પ્રતિ લિટર મળશે, જ્યારે ગાયનું દૂધ 53 રૂપિયા પ્રતિ લિટર મળશે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા અમૂલ કંપનીએ 1 માર્ચ 2022ના રોજ પણ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. તે સમયે કંપનીએ મોંઘા ટ્રાન્સપોર્ટેશનનો ઉલ્લેખ કર્યો હતો. કંપનીએ કહ્યું કે મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે દૂધના ભાવમાં વધારો કરવો પડ્યો છે.

GCMMF એ જણાવ્યું છે કે તેણે ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્ર, દિલ્હી NCR, પશ્ચિમ બંગાળના બજારોમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વધેલી કિંમતો 17 ઓગસ્ટ, 2022થી તમામ સ્થળો પર લાગુ થશે. GCMMF મુજબ, લિટર દીઠ રૂ. 2નો વધારો એમઆરપીમાં 4 ટકા થાય છે. આ સરેરાશ ફુગાવાના દર કરતા ઓછો છે.

GCMMFએ જણાવ્યું હતું કે અમૂલ દૂધના ભાવમાં કામગીરી અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે વધારો કરવામાં આવ્યો છે. પાછલા વર્ષની સરખામણીમાં એકલા પશુ આહારની કિંમતમાં લગભગ 20%નો વધારો થયો છે. સરકારે ગયા મહિનાથી દૂધના ઉત્પાદનો પર 5% GST લાદ્યો છે. જેના કારણે દહીં-લસ્સીના ભાવ પહેલાથી જ વધી ગયા છે. હવે દૂધના વધેલા ભાવથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધશે.

Most Popular

To Top