દમણ(Daman) : અમરેલીના જાફરાબાદના બંદરેથી ઉપડેલી માછીમારોની (Fisherman) એક બોટ (Boat) દમણના ઘૂઘવાતા દરિયામાં (Sea) ફસાઈ ગઈ છે. દમણ કોસ્ટ ગાર્ડ (Coast Guard) દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ (Rescue) ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બોટમાં 8 માછીમારો હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા 5 માછીમારોને રેસ્ક્યૂ કરી દેવાયા છે, જ્યારે અન્ય 3 માછીમારોને બચાવવાની કામગીરી ચાલુ છે.
- જાફરાબાદની બોટ દમણના દરિયામાં ફસાઈ
- બોટ પર 8 ખલાસી સવાર હતા
- કોસ્ટગાર્ડ દ્વારા 5 ખલાસીને બચાવી લેવાયા
- હેલિકોપ્ટરની મદદથી અન્ય 3 ખલાસીને બચાવવાની કામગીરી ચાલુ
- ભારે વરસાદ અને તોફાની પવનના લીધે રેસ્ક્યુમાં મુશ્કેલી
આખાય દેશમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના લીધે સમુદ્રમાં તોફાન ઉઠ્યું છે. ઘૂઘવાતા મારતો સમુદ્ર ગાંડોતૂર બન્યો છે. તંત્ર દ્વારા દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી રહી છે, પરંતુ માછીમારીનો આ જ સમય હોય માછીમારો પોતાની બોટ લઈ દરિયો ખેડી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ શહેરના 8 માછીમારો આ જ રીતે તીર્થનગરી નામની બોટ લઈ દરિયો ખેડવા નીકળ્યા હતા. દરમિયાન ગુરુવારે મધરાતથી આ બોટ ગુમ થઈ ગઈ હતી. તેનો સંપર્ક થઈ શકતો નહોતો. દમણના દરિયામાં બોટ ગુમ થઈ હોવાની છેલ્લી માહિતી મળી હતી તેથી દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા તે બોટની શોધ આદરવામાં આવી હતી. દરમિયાન દમણથી 32 નોટિકલ માઈલ દૂર બોટનું લોકેશન મળ્યું હતું. આ બોટમાં 8 માછીમારો ફસાયા હતા. કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તે બોટ પાસે જઈ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 5 ખલાસીને બચાવી લેવાયા છે જ્યારે હજુ 3ને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ અને તોફાની પવનના લીધે રેસ્ક્યૂ ઓપરેશનમાં કોસ્ટગાર્ડને તકલીફ પડી રહી છે.
આ અગાઉ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન આરંભાયું હતું, પરંતુ મધદરિયામાં ભારે વરસાદ અને તોફાની પવનના લીધે કોસ્ટગાર્ડનું જહાજ ચાલી શકે તેમ નહોતું, જેના લીધે કોસ્ટગાર્ડને જાણ કરી હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ શરૂ કરાયું હતું. દરમિયાન આ મામલે જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કહ્યું કે, બોટનો સંપર્ક થયો છે. દમણ કોસ્ટગાર્ડે 5 ખલાસીને બચાવ્યા છે. વધુ 3ને બચાવવાની કામગીરી ચાલી રહી છે.